ટેરિફ મુદ્દે ટ્રમ્પની ‘ટિટ ફોર ટેટ’ નીતિ, ટ્રમ્પ-મોદી સંબંધોની પણ કસોટી… 2 એપ્રિલે શું નવું થશે?
અમેરિકી સંસદને સંબોધતી વખતે બે વાર ભારતનું નામ લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ ભારત અમારા પર 100 ટકા ટેરિફ લગાવે છે, એ બિલકુલ યોગ્ય નથી. ટ્રમ્પે ટેરિફ વોરની ઔપચારિક ઘોષણા કરતા કહ્યુ કે હવે જે દેશ અમેરિકા પર ટેરિફ લગાવશે, આગામી 2 જી એપ્રિલથી અમેરિકા પણ એ દેશ પર એટલો જ ટેરિફ લગાવશે.

અમેરિકી સંસદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે બે વાર ભારતનું નામ લીધુ અને આશંકાને અનુરૂપ જ તેમણે કહ્યુ કે દાયકાઓથી અન્ય દેશોએ આપણી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે આપણો વારો છે. અમે આ જ ટેરિફનો તેની સામે ઉપયોગ કરશુ. ટ્રમ્પે કહ્ય કે જો તમે ટ્રમ્પ પ્રશાસન અંતર્ગત અમેરિકામાં તમારો સામાન નથી બનાવતા તો તમારે ટેરિફ આપવો પડશે અને કેટલાક કેસમાં તો તગડો ટેરિફ આપવો પડશે. હવે જો અમેરિકા ભારત પર ટેરિફ વસુલવા લાગે તો શું થાય તે સમજીએ…
એક દેશ બીજા દેશ પર એટલા માટે પ્રતિબંધ લગાવે છે જેથી તેના દેશનું ઉત્પાદન વધે. ઉદાહરણ તરીકે સમજીએ તો ભારત પોતાને ત્યા અમેરિકાના સામાનને રોકવા માટે બોર્ડર પર એક ટેક્સ વસુલે છે જે કસ્ટમ ડ્યુટી તરીકે પણ ઓળખાય છે.
અમેરિકાનો સસ્તો માલ ભારતના બઝારમાં વેચાવા લાગે તો આપણા દેશની સ્વદેશી કંપનીઓ વિકાસ નહીં કરી શકે. અમેરિકી કંપનીઓ જો સસ્તો માલ ભારતના બજારમાં વેચી દેશે તો અહીંથી તમામ પૈસા કમાઈને અમેરિકા લઈ જશે. આનાથી ગ્રાહકોને તો સસ્તો માલ મળી જશે પરંતુ તેના દ્વારા મળનારા પૈસા આપણા દેશમાં નહીં રહે. બહાર જતા રહેશે. વધુ સારી રીતે સમજવા બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સમય યાદ કરો. જયારે તેઓ કાચો માલ ભારતમાંથી લેતા હતા અને બનેલો માલ ભારતમાં વેચતા હતા. હકીકતમાં તેઓ આપણા દેશના પૈસા પણ ઉપાડી જતા હતા. જેને સારી ભાષામાં ડ્રેઈન ઓફ વેલ્થ કહેવાય છે.
ટેરિફ શું છે? ટ્રમ્પે સંસદમાં આ મુદ્દે શું કહ્યુ?
ટેરિફ એક પ્રકારનો એ ઉપબંધ છે જેના માધ્યમથી દુનિયાના દેશો પોતાના દેશના વેપારને બચાવવા માટે યુઝ કરે છે. અમેરિકા એક વિકસીત દેશ છે. તેની પાસે અદ્યતન મશીનરી અને સારા સંસાધનો છે. જેનાથી જો તેનો માલ આ દેશમાં વેચાવા લાગશે તો તેનાથી આ દેશની અર્થવ્યવસ્થા બર્બાદ થઈ જશે. જો ભારતની અંદર અમેરિકાનો બધો સામાન કોઈ જ ટેક્સ બેરીયર વિના આવવા દેવામાં આવે તો ભારતમાં કેટલાય એવા માર્કેટ છે જેને અમેરિકા પહેલેથી જ ખાઈ ગયુ છે. ચાહે ટેકનોલોજીના નામ પર સારામાં સારા ફોનનું જ ઉદાહરણ લઈ લો. બીજુ સારામાં સારી ઈન્ટરનેટની સુવિધા લઈ લો. ફેસબુક, ઈન્સ્ટા, યુટ્યુબ કે એપલ, માઈક્રોસોફ્ટને લઈ લો. આ બધી જ અમેરિકી પેદાશનો ઉપયોગ આપણે કરી જ રહ્યા છીએ. જો તેને વધુ છૂટ મળશે તો ભારતની જેટલી પણ બ્રાન્ડ્સ છે તેને પણ ખતમ કરી દેશે. તેનાથી બચવા માટે જ ટેરિફ જેવી એક સિસ્ટમ બનાવી રાખી છે. જે અમેરિકી સામાનને ભારતમાં આવતો અટકાવે છે.
અમેરિકી સંસદને સંબોધતા ટ્રમ્પે આ જ મુદ્દા પર વાત કરી કે જે દેશોએ જેટલો ટેરિફ અમારા પર લગાવ્યો છે કે એટલો જ ટેરિફ જેતે દેશના સામાન પર અમેરિકા લગાવશે.
શું છે WTOની વિકસીત દેશો અને વિકાસશીલ દેશો માટેની જોગવાઈ
ભારત જેવા દેશોને WTOના ઉપબંધો અંતર્ગત એ જોગવાઈ આપવામાં આવી છે કે વિકસીત રાષ્ટ્રો વિકાસશીલ દેશો પાસેથી સામાન ખરીદી તેની અર્થ-વ્યવસ્થાને વધારશે. હાલ નાટોના આ નિયમોને અમેરિકા દરકિનાર કરીને એટલે કે ઉલાળિયો કરીને એવી ઘોષણા કરી રહ્યુ છે કે તેઓ પણ એટલો જ ટેરિફ વસુલશે જેટલો અન્ય દેશો તેમની પાસેથી વસુલે છે.
ત્યારે એ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે અમેરિકા ખોટુ શું કરી રહ્યુ છે? જેનો જવાબ એ છે કે જો તે અન્ય કોઈ દેશને ઉપર આવવા જ નહીં દે તો માર્કેટમાં બહુ મોટી અસમાનતાઓ સર્જાશે. જેનું લાંબા ગાળે અમેરિકાને જ નુકસાન થશે. જ્યારે દુનિયાના અન્ય દેશો વિકસીત નહીં થાય તો અમેરિકી સામાનના ગ્રાહકો પણ બજારમાં નહીં રહે. આ પ્રકારે અમેરિકાના લાંબા ગાળાના નુકસાનને હાલ તો ટ્રમ્પ ઈગ્નોર કરી રહ્યા છે. તે માત્ર Tit for Tat( જેવા સાથે તેવા ની નીતિ) અપનાવી હાલ તો અમેરિકનોને ખુશ કરી રહ્યા છે.
ભારતનો બે વાર નામ લઈ ટ્રમ્પે કહ્યુ અમે પણ 100 ટકા ટેરિફ લગાવશુ
ટ્રમ્પે તેના સંબોધનમાં ટેરિફને લઈને ભારતનો પણ ઉલ્લેખ ત્રણ વાર કર્યો. ટ્રમ્પે કેનેડા, મેક્સિકો, ચીન, ભારત, બ્રાઝિલ આ તમામ દેશોને એકસાથે લપેટામાં લેતા પોતાના ટેરિફ અંગે કહી દીધુ કે 2 જી એપ્રિલથી ભારત સહિત દુનિયાના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવા જઈ રહ્યુ છે. ટ્રમ્પે ઘોષણા કરી છે 2 એપ્રિલથી જે દેશ અમેરિકી આયાત પર ટેરિફ લગાવશે તો અમે પણ તેના પર એટલો જ ટેરિફ લગાવશુ. આ દરમિયાન ટ્રમ્પે બે વાર ભારતનું પણ નામ લીધુ અને કહ્યુ કે ભારત અમારા પર 100 ટકા ટેક્સ લગાવે છે તો અમે તેના સામાન પર પણ 100 ટકા ટેક્સ લગાવશુ. જો કે તેની અસર ભારતમાં 2 જી એપ્રિલે જોવા મળશે. જેની શેર બજાર પર પણ અસર જોવા મળશે.
આ બધા વચ્ચે ભારતનું સ્ટેન્ડ શું રહેશે ?
ભારતના વાણિજ્ય મંત્રી હાલ અમેરિકાની યાત્રાએ છે. આ યાત્રા દરમિયાન બની શકે કે ભારત કેટલાક અમેરિકી ગુડ્સ પરથી ટેક્સેશન ઓછુ કરી દે, તો બની શકે કે તેનાથી ભારતનો ટેક્સ પણ ઓછો થઈ જાય, જો એક્સપોર્ટ સાથે મેનેજ થઈ જાય તો. હવે જોવાનું રહેશે કે ભારત સરકાર અહીથી આગળ 2જી એપ્રિલ સુધીમાં શું નિર્ણય પર આવે છે. ટ્રમ્પે તેના તરફથી ટેરિફ અંગેનું તેમનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. જેમા કેનેડા, ચીન, મેક્સિકો અને ભારત સહિતના દેશોનું નામ લઈ કહ્યુ છે. ટ્રમ્પે એ પણ કહ્યુ કે ચીન અમેરિકા પાસેથી બે ગણો વધુ ટેક્સ વસુલે છે. દક્ષિણ કોરિયા પણ ચાર ગણો વધુ ટેક્સ વસુલે છે, જ્યારે તેની તો સૈન્ય અને અન્ય રીતે સુરક્ષા પણ કરીએ છીએ. ટ્રમ્પે કહ્યુ આપણે દક્ષિણ કોરિયાની સૈન્ય અને અન્ય રીતે ઘણો સહયોગ પણ કરીએ છીએ. (જોકે એ વાત અલગ છે કે કોરિયામાં યુદ્ધ કરાવનારુ પણ અમેરિકા હતુ અને અમેરિકા એ જ સુરક્ષાની ગેરંટી સામેથી આપી છે)
ભારતે નેગોશિએટ કરવાની તૈયારીઓ કરી લીધી !
ટ્રમ્પ તેના પર ટેરિફ લગાવનારા દરેક દેશોને એકસાથે લપેટામાં લીધા. ટ્રમ્પનું માનવુ છે કે આવો ટેરિફ લગાવવાથી અમેરિકામાં બિઝનેસ દોડવા લાગશે. લોકો અમેરિકામાં રોકાણ કરવા માટે લાઈનો લગાવશે અને વધુ રોજગારીનું સર્જન થશે જેનાથી લોકોને રોજગાર મળશે. આ તમામ વચ્ચે ટ્રમ્પ-મોદીની મિત્રતા હાલ તો ક્યાંય જોવા મળી રહી નથી. ટ્રમ્પ નામનો આ માણસ એટલો ડિપ્લોમેટિક બની ગયો છે કે એકતરફ તો તે ભારતને પોતાનુ મિત્ર ગણાવે છે જ્યારે બીજી તરફ ભારતને એવી રીતે યાદ કરે છે કે તે 100 ટકા ટેક્સ લગાવે છે તો અમે પણ 100 ટકા લગાવશુ. હાલ તો એવુ લાગી રહ્યુ છે કે ભારત હવે 2જી એપ્રિલ સુધીમાં પોતાના કોઈ ટેક્સમાં રાહત આપી તેમની સાથે નેગોશિએટ કરશે અને એ દિશામાં તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.