Breaking News : ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સાથીદાર અબુ કાતલ સિંઘીની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હત્યા
Abu Katal Singhi Killed : ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. ભારતમાં તાજેતરમાં જમ્મુના રિયાસી વિસ્તારમાં યાત્રાળુઓની બસ પર કરાયેલા હુમલામાં અબુ કાતલ સિંધીનુ નામ સામે આવ્યું હતું. તે છેલ્લા ઘણા સમયથી લાપત્તા હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે.

અબુ કતલ વિશે જણાવવામાં આવ્યું છે કે તે આતંકવાદી સંસ્થા લશ્કરનો ટોચનો આતંકવાદી હતો અને ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. અબુ એ જ આતંકવાદી છે, જેણે ગયા વર્ષે 9 જૂને જમ્મુના રિયાસીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અજાણ્યા હુમલાખોરોએ એ જ અબુ કતલની હત્યા કરી નાખી છે. તેની હત્યા અંગે વધુ માહિતી સામે આવી નથી.
અજાણ્યા બંદુકધારીઓએ જેને ઠાર માર્યો હતો તે નદીમને અબુ કતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જમાત-ઉદ-દાવાના કમાન્ડર અને હાફિઝ સઈદનો ભત્રીજો છે અને ઘણો ખાસ છે. પાકિસ્તાનના જેલમમાં તેના મૃત્યુના સમાચાર છે. મંગલા બાયપાસ પાસે તેની અને તેના એક સાથીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અજાણ્યા મોટરસાઇકલ સવારોએ તેમના વિગો વાહન પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. એક બિનસત્તાવાર અહેવાલ અનુસાર, અબુ કતલની સાથે હાફિઝ સઈદનું પણ મોત થયું છે. જો કે આ અહેવાલને હજુ સુધી ક્યાયથી પણ કોઈ સમર્થન મળ્યું નથી.
પોલીસે જણાવ્યું કે, હુમલાખોરો ભાગવામાં સફળ થયા, જ્યારે મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. અબુ કતલ છેલ્લા 25 વર્ષથી કાશ્મીરના કોટલીમાં રહેતો હતો. આ ઘટના બાદ દીના, મંગલા અને જિલ્લાના અન્ય ભાગોમાં સુરક્ષાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. એક અહેવાલ એવા પણ આવી રહ્યાં છે કે, હાફિઝ સઈદ હાલ લાહોરમાં છે.
અબુ કતલ ભારતમાં કયા કયા હુમલાઓ કરાવ્યા હતા ?
અબુ કતલ ઘણી મોટી આતંકી ઘટનાઓમાં સામેલ હતો. તે મુંબઈમાં 26/11ના હુમલામાં પણ સામેલ હતો. આ સાથે જમ્મુના રિયાસીમાં, ગત 9 જૂન 2024ના રોજ બસમાં પરત ફરી રહેલા તીર્થયાત્રીઓ પર થયેલા હુમલામાં પણ અબુ કતલનું નામ સામે આવ્યું હતું. આ શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોડી મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
NIA અનુસાર, 2023માં રાજૌરી હુમલામાં અબુ કતલની સંડોવણી પણ સામે આવી હતી. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અબુ કતલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અબુ કતલ ઘણા લાંબા સમયથી ભારતીય સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી હતી. આવી સ્થિતિમાં અબુ કતલની હત્યા ભારત માટે સારા સમાચાર છે.
હાફિઝ સઈદના મોતના સમાચાર
અબુ કતલની હત્યા વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે આ હુમલામાં લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા (JUD)ના સ્થાપક હાફિઝ સઈદ પણ માર્યા ગયા છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાહોરમાં સુરક્ષિત છે. હાફિઝ સઈદ ભારતમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં સામેલ છે. હાફિઝ સઈદ 26/11 મુંબઈ હુમલાનો ગુનેગાર છે.