ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ, પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનું મોત, 26/11નો માસ્ટર માઈન્ડ હતો આ આતંકી
Azam Cheema Death : ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા સિવાય ભારતમાં અન્ય ઘણા આતંકવાદી હુમલાઓના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો.
લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે. હકીકતમાં તાજેતરના ભૂતકાળમાં લશ્કરના ઘણા આતંકવાદીઓની રહસ્યમય હત્યાઓ થઈ છે.
ભારતે તમામ આરોપોને ફગાવ્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને ભારતીય એજન્સીઓ પર તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના વિવિધ શહેરોમાં માર્યા ગયેલા આતંકવાદીઓની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે તમામ આરોપોને સખત રીતે ફગાવી દીધા છે. બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, ત્યારે લશ્કરના જાસુસી વડા આઝમ ચીમાનું પાકિસ્તાનના ફૈસલાબાદમાં મૃત્યુ થયું છે. તેમની ઉંમર લગભગ 70 વર્ષની હતી. આ પછી પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં ફરી અટકળોએ જોર પકડ્યું છે.
ચીમાના મોતના સમાચાર
ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા તેમજ ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાઓના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. ચીમાના મોતના સમાચાર સામે આવતાં જ ભારતીય એજન્સીઓના દાવાને બળ મળ્યું કે, પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ હાજર છે. જો કે ઈસ્લામાબાદ સતત ઈન્કાર કરી રહ્યું છે.
જાસુસી સૂત્રોના જણાવ્યા અનુસાર ચીમા પંજાબી બોલતો હતો. તે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો. તેણે 2000ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનના બહાવલપુરમાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તે તેની પત્ની અને બે બાળકો સાથે ત્યાં રહેતો હતો.
સૂત્ર દ્વારા મળી છે માહિતી
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તે ઘણીવાર છ બોડિગાર્ડ સાથે લેન્ડ ક્રુઝરમાં ફરતો જોવા મળતો હતો.” એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ચીમા જ હતો જે એક વાર બહાવલપુર શિબિરમાં હથિયારોનું પ્રશિક્ષણ લઈ રહેલા જેહાદીઓના બ્રેઈન વોશ કરવા માટે આઈએસઆઈના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલ, બ્રિગેડિયર રિયાઝ અને કર્નલ રફીકને લાવ્યા હતા. તે ક્યારેક કરાચી જતો અને લાહોર ટ્રેનિંગ કેમ્પની મુલાકાત પણ લેતો.”
ચીમા કરતો હતો આ કામ
ચીમાને અફઘાન યુદ્ધનો અનુભવ હતો. તેઓ નકશા વાંચવામાં નિષ્ણાત હતા, ખાસ કરીને ભારતના નકશા. અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, “તેણે જેહાદીઓને ભારતના મહત્વના સ્થાપનોને નકશા પર શોધવાનું શીખવ્યું હતું. તે 2000ના દાયકાના મધ્યમાં સેટેલાઇટ ફોન દ્વારા સમગ્ર ભારતમાં આતંકવાદીઓને સૂચનાઓ પણ આપતો હતો.”
ઓસામા બિન લાદેનના અલ-કાયદા નેટવર્ક સાથે જોડાયેલો હતો
ચીમા 2008માં પાકિસ્તાનના બહાવલપુરમાં લશ્કર કમાન્ડર તરીકે કામ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન તેમને લશ્કરના સિનિયર અધિકારી ઝકી-ઉર-રહેમાન લખવીના ઓપરેશનલ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તેમને લશ્કર-એ-તૈયબાની કામગીરીમાં મુખ્ય કમાન્ડર તરીકે વર્ણવે છે. તે ઓસામા બિન લાદેનના અલ-કાયદા નેટવર્ક સાથે જોડાયેલો હતો.