Dharoi Dam: સાબરમતીમાં મધરાતે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો, રુલ લેવલ કરતા અડધો ફુટ સપાટી વધી!
Dharoi Dam Water Level Today: ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. શનિવારે મોડી રાત્રી દરમિયાન પાણીની આવકમાં નોધપાત્ર વધારો થયો હતો. ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ જળ સપાટી રુલ લેવલ કરતા વધારે ભરાઈ હતી.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. શનિવારે મોડી રાત્રી દરમિયાન પાણીની આવકમાં નોધપાત્ર વધારો થયો હતો. ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ જળ સપાટી રુલ લેવલ કરતા વધારે ભરાઈ હતી. જોકે આ માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ધરોઈમાં એક ફુટ વધારે જળ સંગ્રહ રુલ લેવલ કરતા વધારે ભરવામાં આવે. આમ ધરોઈનો જળ સંગ્રહ વધારે સારો થવા પામ્યો છે.
ધરોઈ ડેમમાં આવક થવાને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. ધરોઈ થકી પીવાનુ પાણી આપવામાં આવતા શહેરો અને ગામડાઓને માટે પણ રાહત સર્જાઈ છે. ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાને લઈ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. રાજસ્થાન અને ગુજરાતના સરહદી તાલુકાઓમાં વરસાદને પગલે સાબરમતી નદીમાં આવકનો વધારો નોંધાયો છે.
ધરોઈ ડેમે રુલ લેવલ વટાવ્યુ
જુલાઈ માસની આખર સુધી ધરોઈ ડેમનુ રુલ લેવલ 618.04 ફુટ છે. જેની સામે ધરોઈ ડેમની આવકમાં વધારો નોંધાવવાને લઈ ધરોઈ ડેમની સપાટી હવે 618.43 ફુટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાં જળસંગ્રહ 619 ફુટ સુધી કરવાનો નક્કી કરવામાં આવ્યો છે. રુલ લેવલ કરતા લગભગ એક ફુટ જેટલી વધુ સપાટી સુધી જળ સ્તર રાખવા માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો છે. આમ 1 ઓગષ્ટ અગાઉ ધરોઈ ડેમની સપાટી 619 ફુટને વટાવશે તો, સાબરમતી નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. જોકે હાલ તો જળસંગ્રહ થાય એ દીશામાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
મધ્યરાત્રી દરમિયાન વધી આવક
ગત રાત્રી દરમિયાન 12 કલાકે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. રાત્રીના 12 કલાકે 9305 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે સવારે 7 કલાક સુધી સતત જળવાઈ રહી હતી. ત્યાર બાદ સવારે 7 કલાકે આવકમાં વધારો થતા 13611 ક્યુસેક આવક નોંધાઈ હતી. સવારે 8 કલાકે પણ આટલી જ આવક નોંધાઈ હતી. આમ જળ સપાટીમાં રાત્રીના 12 થી સવારે 9 કલાક સુધીમાં 11 સેન્ટીમીટર જેટલી વધી હતી. જ્યારે પાણીનો જથ્થો 10 એમસીએમ જેટલો વધ્યો હતો.
ધરોઈ ડેમ જળસંગ્રહ સ્થિતિ (રવિવારે સવારે 9.00 કલાક મુજબ)
- હાલની સપાટી-618.43 ફુટ
- રુલ લેવલ-618.04 ફુટ (619 ફુટ સુધી પાણી ભરાશે)
- મહત્તમ સપાટી-622.04
- હાલની જળસંગ્રહ સ્થિતિ-86.21
સાબરમતી નદીમાં નોંધાયેલી આવક
- રાત્રે 12.00 થી સવારે 06.00 કલાક સુધી 9305 ક્યુસેક
- સવારે 07.00 કલાકે 13611 ક્યુસેક
- સવારે 08.00 કલાકે 13611 ક્યુસેક
- સવારે 09.00 કલાકે 4618 ક્યુસેક