કાનુની સવાલ: લગ્ન પછી સંબંધ ન ચાલે તો ક્યારે છુટાછેડા લઈ શકો? જાણો કાયદો શું કહે છે
લગ્ન જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે, પરંતુ દરેક લગ્ન સફળ થાય જ એવું જરૂરી નથી. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે મતભેદ, અણબનાવ અથવા ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, જેના કારણે સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે છુટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય?

ભારતમાં કાયદા અનુસાર સામાન્ય રીતે લગ્ન પછી ઓછામાં ઓછા એક વર્ષ પૂર્ણ થયા બાદ જ છુટાછેડા માટે અરજી કરી શકાય છે. આ નિયમનો હેતુ એ છે કે દંપતિને સંબંધ સુધારવા અને એકબીજાને સમજવા માટે પૂરતો સમય મળે.

પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં આ નિયમમાંથી છૂટછાટ પણ આપવામાં આવી શકે છે. જો લગ્ન પછી તરત જ ગંભીર અત્યાચાર, હિંસા, છેતરપિંડી અથવા અસહ્ય પરિસ્થિતિ સર્જાય, તો કોર્ટ એક વર્ષ પૂર્ણ થયા પહેલા પણ અરજી સ્વીકારી શકે છે.

છુટાછેડા માટે બે મુખ્ય પ્રકાર હોય છે. મ્યુચ્યુઅલ ડિવોર્સ (પરસ્પર સંમતિથી) અને કન્ટેસ્ટેડ ડિવોર્સ (એક પક્ષની ઇચ્છા વિરુદ્ધ). મ્યુચ્યુઅલ ડિવોર્સમાં બંને પક્ષ સહમત હોય છે, ત્યારે પ્રક્રિયા સરળ અને ઝડપી બને છે. સામાન્ય રીતે તેમાં 6 મહિના સુધીનો ‘કૂલિંગ પિરિયડ’ રાખવામાં આવે છે, જેથી જો દંપતિ ઈચ્છે તો ફરી એક થવાની તક મળે.

બીજી તરફ, કન્ટેસ્ટેડ ડિવોર્સમાં એક પક્ષ છુટાછેડા માંગે છે અને બીજો પક્ષ સહમત ન હોય, તો કોર્ટમાં કારણો રજૂ કરવા પડે છે. તેમાં ક્રૂરતા, ત્યાગ, વ્યભિચાર, ધર્મ પરિવર્તન અથવા માનસિક બિમારી જેવા આધાર હોઈ શકે છે.

તાજેતરના સમયમાં કોર્ટોએ કેટલાક કેસોમાં ‘કૂલિંગ પિરિયડ’ માફ પણ કર્યો છે, ખાસ કરીને જ્યારે સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હોય અને પાછા જોડાવાની કોઈ શક્યતા ન હોય.

છુટાછેડા લેવાનો નિર્ણય સરળ નથી. કારણ કે તે ફક્ત બે વ્યક્તિઓ નહીં પરંતુ બંને પરિવારને પણ અસર કરે છે. તેથી કાયદાકીય પગલું ભરતા પહેલા સલાહકાર અથવા વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

આ રીતે કાયદો દંપતિને સંબંધ સુધારવાનો મોકો પણ આપે છે અને જરૂરી હોય ત્યારે યોગ્ય રીતે અલગ થવાની તક પણ આપે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
