સુપરહિટ ફિલ્મ ‘ધૂમ’ના દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. 19 નવેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગઢવી લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. તેમને પરસેવો વળી ગયો હતો. તેમને તાત્કાલિક નજીકની સૌથી મોટી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સંજય ગઢવીના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં છે. તેમની વિદાય સમગ્ર બોલિવૂડ માટે મોટી ખોટ છે.
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ સંજયને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. સંજય જ્યાંથી ચાલતો હતો ત્યાંથી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટરનું હતું, રસ્તામાં કોઈ ટ્રાફિક નહોતો. હાલમાં સંજયનો પાર્થિવ દેહ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે. 19મી નવેમ્બરની મોડી સાંજ સુધીમાં સંજય ગઢવીના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સંજય ગઢવી લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહે છે, તે જ સોસાયટીમાં શ્રી દેવી રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.
સંજયે યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોશન અભિનીત ‘ધૂમ’ અને ‘ધૂમ 2’નું નિર્દેશન કર્યું હતું. સંજયે મેરે યાર કી શાદી હૈ, તેરે લિયે, કિડનેપ, અજબ ગજબ લવ અને ઓપરેશન પરિંદે જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.
મહત્વનું છે કે તેમનો જન્મ મુંબઈમાં થયો હતો, તેમના માતા-પિતા ગુજરાતમાંથી મુંબઈ રહેવા ગયા હતા.
Published On - 11:33 am, Sun, 19 November 23