Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત તમામ શ્રમિકોની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવી.
ગુજરાતમાં (Gujarat) સુરતની (Surat) સચિન GIDCમાં ઝેરી કેમિકલ ગેસ ( Chemical) લીક થવા મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત સિવિલ હોસ્પિટલમાં જઈ દાખલ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાને દર્દીઓના સગાને મળીને દિલાસો પાઠવ્યો હતો.
સુરતની સચિન GIDCમાં કેમિકલ ગેસ લીકેજથી 06 જાન્યુઆરીએ મોટી દુર્ઘટના ઘટી હતી. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા હતા. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત તમામ શ્રમિકોની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવી. તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મળીને આશ્વાસન આપ્યુ કે સુરત પોલીસના અધિકારીઓ ગુનો દાખલ કરી ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યાં છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગેસ લીક કાંડમાં સામેલ બ્રોકર કે ટેન્કર કંપનીઓ સામે કડક પગલા લેવાશે.
સુરતની સચિન GIDCમાં ઝેરી કેમિકલ ગેસ લીક થવાના કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ થઈ છે તો GPCBના નોડલ અધિકારી પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનરે સચિન GIDCના પોલીસ ઈન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કર્યા છે. પોલીસ ઈન્સ્પેકટરની સાથે એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરાયા છે .
સુરતના સચિન GIDC કેમિકલ લીક કાંડમાં CM ભૂપેન્દ્ર પટેલે સહાયની જાહેરાત કરી છે. દરેક મૃતકના સગાને 4 લાખ અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Kutch: કોરોના સામે લડવા કચ્છનું તંત્ર સજ્જ, પ્રભારી સચિવે કરી તૈયારીઓની સમીક્ષા
આ પણ વાંચો: Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો