સોનું ₹10 લાખ અને ચાંદી ₹6 લાખ થવાની આગાહી, બિટકોઈનમાં પણ મહા-તેજીના સંકેત
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી આર્થિક હલચલ વચ્ચે રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુનિયાના જાણીતા રોકાણ નિષ્ણાતે ચેતવણી આપી છે કે, આગામી સમયમાં વિશ્વના અર્થતંત્રમાં મોટા ફેરફારો આવી શકે છે, જેના કારણે સોના અને ચાંદી જેવી સુરક્ષિત એસેટના ભાવમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા છે.

કલ્પના કરો કે, દુનિયામાં અચાનક આર્થિક પરપોટો ફૂટી જાય અને આખી નાણાકીય વ્યવસ્થા હલી જાય. હા, જાણીતા રોકાણકાર અને 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકી કંઈક આવી જ ચેતવણી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઇતિહાસનો સૌથી મોટો ફાઇનાન્શિયલ બબલ ફૂટવાની અણી પર છે. જો આવું થશે, તો ગોલ્ડ-સિલ્વર અને ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. કિયોસાકીનો દાવો છે કે, મોટા ક્રેશ પછી ગોલ્ડ $35,000 અને બિટકોઈન $7,50,000 સુધી પહોંચી શકે છે.

રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, આજની ગ્લોબલ ઇકોનોમી પણ કંઈક આવી જ સ્થિતિમાં છે. કિયોસાકીના મતે, વિશ્વભરના અર્થતંત્રમાં એટલું બધું દેવું, આડેધડ નોટો છાપવી અને ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ (નાણાં, ગણિત, આંકડાશાસ્ત્ર અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનું સંયોજન ધરાવતું એક ક્ષેત્ર) થઈ ચૂક્યું છે કે, બજાર હવે એક મોટા બબલ (પરપોટા) જેવું બની ગયું છે. તેમણે કહ્યું કે, તેમને ખબર નથી કે કઈ ઘટના આ બબલને ફોડશે પરંતુ તે ઘટના હવે બહુ દૂર નથી. કિયોસાકીના શબ્દોમાં, "સવાલ એ નથી કે બબલ ફૂટશે કે નહીં, સવાલ ફક્ત એ છે કે તે ક્યારે ફૂટશે?"

રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, જ્યારે આગામી મોટું નાણાકીય સંકટ આવશે, ત્યારે રોકાણકારોનો પરંપરાગત બેંકિંગ અને સરકારી સિસ્ટમ પરથી ભરોસો ઊઠી જશે તેમજ લોકો પોતાની મૂડી બચાવવા માટે ગોલ્ડ-સિલ્વર અથવા ક્રિપ્ટો જેવી સુરક્ષિત એસેટ્સ તરફ દોડશે. આ જ કારણ છે કે, તેમણે આર્થિક તારાજી (Economic Devastation) પછીની કિંમતોના ખૂબ જ આશ્ચર્યજનક અનુમાન લગાવ્યા છે, જેમાં મોટા ક્રેશના એક વર્ષની અંદર ગોલ્ડ $35,000 અને સિલ્વર $200 પ્રતિ ઔંસ તેમજ બિટકોઈન $7,50,000 અને ઇથેરિયમ $95,000 પ્રતિ કોઈન સુધી પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે.

જો રોબર્ટ કિયોસાકીની આ ચોંકાવનારી ભવિષ્યવાણી સાચી સાબિત થાય, તો ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસની કલ્પના બહાર પહોંચી શકે છે. આ ગણતરી મુજબ, ભારતમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹10 લાખના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે, જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલો ₹6 લાખ સુધી પહોંચી જવાની શક્યતા છે. આટલું જ નહીં, ડિજિટલ એસેટ તરીકે ઓળખાતા બિટકોઈનનો ભાવ પણ આસમાને પહોંચીને પ્રતિ કોઈન ₹7 કરોડ જેવી માતબર રકમ સુધી પહોંચી શકે છે, જે ભારતીય રોકાણકારો માટે એક મોટો આર્થિક બદલાવ સાબિત થઈ શકે છે.

આ દરમિયાન પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પીટર શિફે પણ સિલ્વર (ચાંદી) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, સિલ્વરે તાજેતરમાં મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે અને તેમાં ગમે ત્યારે તેજ ઉછાળો શરૂ થઈ શકે છે. શિફ માને છે કે, ઘણા રોકાણકારો વધુ સારી એન્ટ્રીની રાહ જોતા રહે છે પરંતુ ઘણીવાર બજાર એવી તક આપતું નથી. તેમણે એ પણ જણાવ્યું કે, ગોલ્ડ અને સિલ્વર માઇનિંગ કંપનીઓના શેર તાજેતરની હાઈ સપાટીથી લગભગ 25% ગબડ્યા છે. જો કે, આ ઘટાડો કેટલાક રોકાણકારો માટે તક પણ બની શકે છે. હાલમાં મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને તેલના પુરવઠાને લઈને ચિંતાના કારણે કોમોડિટી માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હાલમાં ગોલ્ડ $5,013 અને સિલ્વર $80.97 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

પહેલા ચાર્ટ મુજબ નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી પાછળ હટી ગયો છે. જ્યારે બીજા ચાર્ટ મુજબ PSP Prama Indicatorની ત્રણ Blue Lines વચ્ચેનું અંતર સંપૂર્ણપણે બંધ થવાની આરે છે. છેલ્લી વખત જ્યારે આવું થયું હતું—માર્ચ 2020 માં—નિફ્ટીએ ત્યારબાદ Historical Reversalનું પગલું ભર્યું. હવે, માર્ચ 2026 માં, બરાબર એ જ પરિસ્થિતિ પ્રગટ થતી દેખાય છે. શક્ય છે કે નિફ્ટી વર્તમાન સ્તરોથી આશરે 1,000 પોઈન્ટનો વધુ સુધારો કરી શકે છે; જો કે, તીવ્ર રિકવરી માટેનો પાયો હવે લગભગ તૈયાર થઈ ગયો છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: સરકારનો ‘સોના’ પર અત્યાર સુધીનો સૌથી ‘ચોંકાવનારો નિર્ણય’, મધ્યમ વર્ગને આપી ‘મોટી રાહત’
