સ્વાદમાં ખાટું-મીઠું અને સ્વાસ્થ્ય માટે વરદાન, ડાયાબિટીસથી લઈને હૃદયરોગ સુધીના તમામ ઈલાજ આ એક જ ફળમાં
ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં આ નાનકડા અને ખાટા-મીઠા ફળનું આગમન થઈ ચૂક્યું છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી પરંતુ ગંભીર બીમારીઓ સામે લડવા માટેનું એક કુદરતી હથિયાર છે.

ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારમાં એવા ઘણા ફળો જોવા મળે છે કે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવું જ એક ફળ 'જાંબુ' છે, જે દેખાવમાં ભલે નાનું હોય પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે.

જાંબલી રંગ અને ખાટા-મીઠા સ્વાદવાળું જાંબુ ગુણોથી ભરપૂર હોય છે. જાંબુને પ્રકૃતિની અણમોલ ભેટ પણ કહેવામાં આવે છે. જાંબુનું વૈજ્ઞાનિક નામ 'સિજીગિયમ ક્યુમિની' છે. જાંબુ ભારત ઉપરાંત દક્ષિણ એશિયામાં પણ જોવા મળે છે.

જાંબુનો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને થાય છે. આમાં એન્ટી-ડાયાબિટીક ગુણો હોય છે, જે લોહીમાં સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે સ્ટાર્ચને સુગરમાં બદલાતા અટકાવે છે. જાંબુના ફળની સાથે સાથે તેના ઠળિયાનો પાવડર પણ સુગર કંટ્રોલ કરવામાં ખૂબ અસરકારક છે.

જાંબુ પેટ સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ છે. તે કબજિયાત, ગેસ અને મરોડ જેવી સમસ્યાઓને દૂર કરે છે. તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને મજબૂત રાખે છે. જાંબુમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે હાઈ બ્લડ પ્રેશરને રોકવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે.

જાંબુમાં વિટામિન C અને આયર્ન સારી માત્રામાં હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. આ સિવાય લોહીને સાફ કરવામાં પણ જાંબુ મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ચહેરાના ખીલ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. જાંબુના પાનની રાખ દાંત અને પેઢા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેનાથી પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.
આ પણ વાંચો: શું તમે પણ વજન ઘટાડવા માંગો છો? તો દહીં ખાવાની આ રીત જાણી લો!
