તમારા જિગરી દોસ્તના આ 6 ‘ખતરનાક’ સંકેતોને ઓળખવામાં ભૂલ ન કરતા ! જાણો ક્યારે દોસ્તીમાં ‘બ્રેક’ મારવી જરૂરી છે…
જેને તમે પોતાનો ભાઈ માનો છો, તે જ કદાચ તમારી પ્રગતિનો સૌથી મોટો દુશ્મન હોઈ શકે છે. ટીનએજમાં "ભાઈબંધી" ના નામે થતી કેટલીક વાતો તમારા ભવિષ્યને અંધકારમાં ધકેલી શકે છે. જો તમારો મિત્ર તમને આ 6 બાબતો માટે દબાણ કરે, તો સમજી લેજો કે હવે અલગ થવાનો સમય આવી ગયો છે...
ટીનએજ (તરુણાવસ્થા) એ જીવનનો સૌથી નાજુક તબક્કો છે. આ સમયે મન મૂંઝવણમાં હોય છે અને બાળકો ઘણીવાર ખોટા મિત્રોની સંગતમાં પડી જાય છે. વાલીઓ માટે પણ આ એક મોટો પડકાર છે. જો તમારો મિત્ર અથવા તમારા બાળકનો મિત્ર નીચે મુજબની વાતો કરતો હોય, તો ચેતી જવાની જરૂર છે.
આ 6 સંકેતો દેખાય તો તરત જ અંતર બનાવી લો:
- ‘ઘરે કોઈને કહેતો નહીં’ ની સલાહ:
જો કોઈ મિત્ર તમને એમ કહે કે “આ વાત તારા મમ્મી-પપ્પાને ન કહેતો” અથવા “આપણે ઘરેથી છુપાવીને આ કામ કરીશું”, તો સમજી લેજો કે તેની દાનત ખોટી છે. સાચો મિત્ર ક્યારેય તમને તમારા માતા-પપ્પાથી દૂર નહીં કરે.
- ઈમોશનલ બ્લેકમેલિંગ:
“જો તું મારો સાચો દોસ્ત હોય તો તારે આ કરવું જ પડશે” – આ પ્રકારનું ઈમોશનલ પ્રેશર એ અનહેલ્ધી ફ્રેન્ડશિપની નિશાની છે. દોસ્તીમાં કોઈ શરત કે જબરદસ્તી હોતી નથી.
- ખોટા કામોને ‘કૂલ’ ગણાવવા:
ક્લાસ બંક કરવો, ધૂમ્રપાન કરવું અથવા કોઈની મજાક ઉડાવવી – આ બધું જો કોઈ મિત્ર ‘કૂલ’ અથવા ‘મરદાનગી’ ગણાવતો હોય, તો તે તમને બરબાદીના પંથે લઈ જઈ રહ્યો છે.
- ભણવાની મજાક ઉડાવવી:
જો કોઈ તમને “ભણતરનો કીડો” કે “ટીચરનો ચમચો” કહીને ચીડવે, તો તેનો અર્થ એ છે કે તે તમારી પ્રગતિ જોઈ શકતો નથી. આવો મિત્ર તમને પોતાની જેમ નિષ્ફળ બનાવવા માંગે છે.
- વર્તનમાં નકારાત્મક બદલાવ:
જો કોઈની સાથે રહ્યા પછી તમે વધુ જૂઠું બોલવા લાગ્યા હોવ, વધુ ગુસ્સો કરતા હોવ અથવા ઘરમાં ચીડચીડિયા થઈ ગયા હોવ, તો સમજી લો કે તમારી સંગત ખોટી છે.
- તમારી મર્યાદાઓનો અનાદર:
જ્યારે તમે કોઈ કામ માટે “ના” પાડો અને છતાં પણ તમારો મિત્ર તે કામ કરવા માટે તમને દબાણ કરે અથવા તમારી મર્યાદા (Boundaries) ને ગણકારે નહીં, તો તે સાચો મિત્ર નથી.
વાલીઓ માટે સલાહ
બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર કરો જેથી તેઓ બહારની બધી વાતો તમને આવીને કહી શકે. તેમને સમજાવો કે સાચો મિત્ર એ છે જે તમને મુસીબતમાં સાથ આપે, નહિ કે મુસીબતમાં મૂકે.
દોસ્તી એ પવિત્ર સંબંધ છે, પરંતુ ખોટા લોકોની સંગત જીવનભરનું નુકસાન કરી શકે છે. આજે જ તમારા ફ્રેન્ડ લિસ્ટને ફિલ્ટર કરો અને માત્ર એવા જ લોકોને સાથે રાખો જે તમારી પ્રગતિમાં રાજી હોય.

