Breaking News : કચ્છના ભુજમાં શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીના પાસના ભાવને લઈને વિવાદ, સ્થાનિકોના વિરોધ બાદ ઘટાડો કરાયો

કચ્છના ભુજમાં શિવાલિકા નવરાત્રીના ઊંચા પાસ ભાવે વિવાદ સર્જ્યો. લાખોંદ, પદ્ધર અને કુકમાના સ્થાનિકોએ વ્યાપારીકરણ સામે વિરોધ નોંધાવ્યો. જનરલ પાસ રૂ. 499 થી શરૂ થતા હતા.

Breaking News : કચ્છના ભુજમાં શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીના પાસના ભાવને લઈને વિવાદ, સ્થાનિકોના વિરોધ બાદ ઘટાડો કરાયો
| Updated on: Oct 18, 2026 | 3:05 PM

કચ્છના ભુજમાં શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીના પાસના ભાવને લઈને વિવાદ સર્જાયો છે. ઊંચા દરે પાસ વેચવામાં આવતા હોવાના મુદ્દે લાખોંદ, પદ્ધર અને કુકમા ગામના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે માતાજીના ગરબાના નામે વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે અને નવરાત્રીના પવિત્ર પર્વને ધંધાનું માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીમાં જનરલ પાસનો ભાવ રૂ. 499 અને VIP એન્ટ્રી માટે રૂ. 799થી શરૂ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગરબા કાર્યક્રમમાં રૂ. 1.25 લાખનું સોફા સીટિંગ પણ ઉપલબ્ધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલા ઊંચા ભાવને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.

સ્થાનિકોએ નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના અને ગરબા માટે સમર્પિત હોવાનો ઉલ્લેખ કરીને કાર્યક્રમના વ્યાપારીકરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે ત્રણ ગામના સ્થાનિકોએ એકત્ર થઈને આયોજકો સામે વિરોધ નોંધાવ્યો હતો. પાસના ભાવ સામાન્ય લોકો માટે પોસાય તેવા રાખવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.

સ્થાનિકોના વિરોધ બાદ શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીના આયોજકોએ પાસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અગાઉ રૂ. 499નો જનરલ પાસ હવે લાખોંદ, પદ્ધર અને કુકમા ગામના સ્થાનિકો માટે રૂ. 150માં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આમ, વિરોધ બાદ ત્રણ ગામના સ્થાનિકો માટે પાસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી વર્ષે પણ ગરબાના આયોજન દરમિયાન સ્થાનિકોની લાગણીઓ અને સામાન્ય લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આયોજકો સામે વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ પાસના ભાવમાં ઘટાડાની જાહેરાત બાદ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર 

Follow Us
Loading...
Unable to load recommendations.