લગ્ન કરવા માટે કોઈ માતાજી કે ભગવાનની માનતા માને છે. તો કોઈ મંદિરે જઈને પ્રાર્થના કરે છે. પરંતુ મહેસાણાના એક ગામમાં કુંવારા યુવકો લગ્ન પહેલાં વરરાજા નહીં, પણ પરી બને છે ! જી હા, સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ હકીકત છે. આ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું કડા ગામ... જ્યાં શરદ પૂર્ણિમાની રાત્રે એક એવો ઉત્સવ યોજાય છે, જેને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. અહીં ગરબા થાય છે, ભક્તિ થાય છે, પરંતુ સૌથી મોટું આકર્ષણ હોય છે... કુંવારા યુવકોનું પરી સ્વરૂપ ! આ પરંપરા આજકાલની નહીં, પરંતુ લગભગ 200 વર્ષ જૂની છે. કહેવાય છે કે અગાઉ કડા ગામમાંથી ભાદરવા સુદ પૂનમે પગપાળા સંઘ અંબાજી જતો હતો. અંબાજીમાં બે બ્રાહ્મણ યુવકોને પરી બનાવીને ફેરવવામાં આવતા હતા. આ પરંપરાથી પ્રેરાઈને કડા ગામના લોકોએ પણ પોતાના ગામમાં આવો ઉત્સવ શરૂ કરવાનો વિચાર કર્યો. ગામમાં બ્રાહ્મણોની સંખ્યા વધુ હતી અને લોકોને ગરબા ગાવાનો પણ ભારે શોખ હતો. તેથી નવરાત્રિના નવ દિવસને બદલે 15 દિવસ સુધી ગરબાનું આયોજન થતું અને શરદ પૂર્ણિમાએ પરી મહોત્સવની શરૂઆત થઈ. આ પરંપરાની ખાસ વાત એ છે કે પરી બનવા માટે દરેક યુવકની પસંદગી થતી નથી. માત્ર જનોઈ ધારણ કરેલા કુંવારા બ્રાહ્મણ યુવકો જ પરી બની શકે છે. અગાઉ નાગર અને ઔદિચ્ય બ્રાહ્મણ યુવકોને પરી બનાવવામાં આવતા હતા. જોકે, તેમની સંખ્યા ઘટતાં છેલ્લાં 40થી 50 વર્ષથી તપોધન બ્રાહ્મણ સમાજના જનોઈધારી કુંવારા યુવકોને પરી બનાવવામાં આવે છે. યુવકોને પરીનો શણગાર સજાવવામાં દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન મેકઅપ ફાઉન્ડેશન, નેઈલ પોલિશ, આઈબ્રો અને અન્ય શણગારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. પરંપરાગત રીતે પોકર નામના ખાસ પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વાળંદ સમાજના લોકો પેઢીઓથી ચાલી આવતી પોતાની કળા અને અનુભવથી યુવકોને માતાજીની પરી જેવો આબેહૂબ શણગાર સજાવે છે. તૈયાર થયા પછી આ યુવકોને ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે! આ પરંપરા પાછળ એક એવી માન્યતા પણ જોડાયેલી છે, જે કુંવારા યુવકોમાં પરી બનવાની ઉત્સુકતા વધારી દે છે. ગ્રામજનો માને છે કે માતાજીની પરી બનનાર યુવકનાં લગ્ન એક વર્ષની અંદર નક્કી થઈ જાય છે! કડા ગામમાં પરી બનવું એટલે માત્ર કપડાં પહેરીને શણગાર સજી લેવો એટલું જ નહીં. પરંતુ તેની પાછળ હોય છે પરંપરા, મહેનત અને વર્ષો જૂની કળા! પરી મહોત્સવ માટે સૌપ્રથમ સરખી ઊંચાઈ અને દેખાવ ધરાવતા બે બ્રાહ્મણ યુવકોની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ગામના ન્યાયી એટલે કે વાળંદ સમાજના અનુભવી લોકો તેમને પરી તરીકે તૈયાર કરે છે.