દિવાળી
દિવાળી એ, દીવાઓ સાથે સંકળાયેલો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ માન્યતા અનુસાર, આ પર્વ અંધકાર પર પ્રકાશની જીત અને જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિની કામના સાથે જોડાયેલો છે. દિવાળી અથવા દીપાવલી સાથે પાંચ તહેવારો સંકળાયેલા છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને કાળી ચતુર્દશી, દીપાવલી, ગુજરાતીઓનુ બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં લાભ પાંચમના રોજ વેપાર-ઉદ્યોગ, ધંધા રોજગાર કરનારા મૂહર્ત કરીને તેમનો વ્યવસાય શરૂ કરે છે.
હિંદુ માન્યતા અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ લંકા જીતીને, અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોએ ઘીનો દીવો પ્રગટાવીને તેમના આગમનની ઉજવણી કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે, દિવાળીના એક દિવસ પહેલા એટલે કે કાળી ચૌદસના દિવસે ભગવાન કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, ત્યારબાદ અમાવસ્યાના દિવસે વ્રજના લોકોએ દીવા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી.
હિંદુ માન્યતા અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવાતા દિવાળીના તહેવાર પર, શુભ અને ધનલાભના દેવતા ભગવાન ગણેશ, ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર, જ્ઞાનની દેવી માતા સરસ્વતી અને કાળકા માતાની પૂજા કરવાની પરંપરા છે. વિવિધ ધર્મોમાં દીપોત્સવ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જેમ જૈન ધર્મ સાથે સંકળાયેલા લોકો દિવાળીને મહાવીરના મોક્ષ દિવસ તરીકે ઉજવે છે. દિવાળીનો આધ્યાત્મિક સંદેશ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો છે.