દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોમાં ખરીદીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના શુભ અવસર પર સોનું અને ચાંદી ખરીદવાની પરંપરાને ધ્યાનમાં રાખીને લોકો અત્યારથી જ જ્વેલર્સની દુકાનોમાં ઉમટી રહ્યા છે. આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના પર્વ પર સોના-ચાંદીનું ધૂમ વેચાણ થવાની વેપારીઓને આશા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. દિવાળી ઉપરાંત લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ રહી હોવાથી ઘરેણાંની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને લોકો સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોમાં પહોંચી રહ્યા છે. અમદાવાદના માણેક ચોક, સી.જી. રોડ અને શિવરંજની સહિતના મુખ્ય બજારોમાં આવેલી જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ખરીદી માટેનું વાતાવરણ વધુ સાનુકૂળ બન્યું છે. જોકે, કેટલાક ગ્રાહકો હજુ પણ સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની આશા રાખી રહ્યા છે. હવે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે બજારમાં કેટલી ખરીદી થાય છે તેના પર વેપારીઓની નજર છે.