Breaking News: દિલ્હી-NCRમાં ગૂંગળામણ કરતી હવા! પ્રદૂષણના કારણે GRAP-3 લાગુ, ધોરણ 5 સુધીની શાળાઓમાં હાઇબ્રિડ શિક્ષણ ફરજિયાત
GRAP-3 હેઠળ બાંધકામ અને ધૂળ ફેલાવતી પ્રવૃત્તિઓ પર પણ કડકતા લાદવામાં આવી છે. અધિકારીઓને પ્રતિબંધોનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી GRAP પગલાં લાગુ રહેશે ત્યાં સુધી આ નિયંત્રણો ચાલુ રહેશે.

દિલ્હી-NCRમાં સતત બગડતી હવાની ગુણવત્તાને પગલે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શુક્રવારે હવા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે દિલ્હી સહિત નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ શિક્ષણ વ્યવસ્થા લાગુ કરાઈ છે. હવે વિદ્યાર્થીઓને શાળામાં જઈને અથવા ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરવાની સુવિધા મળશે.
શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ વીડિયો સંદેશ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે વાલીઓને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અભ્યાસના વિકલ્પનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જોકે, શાળાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો નથી. શાળાઓમાં નિયમિત વર્ગો ચાલુ રહેશે અને સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે. બાળકો શાળાએ જવા કે ઘરે રહીને અભ્યાસ કરવા અંગે પસંદગી કરી શકશે.
જૂના પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ
પ્રદૂષણ ઘટાડવા માટે વાહન વ્યવહાર પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS-III અને તેનાથી જૂના પેટ્રોલ વાહનો તેમજ BS-IV અને તેનાથી જૂના ડીઝલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં BS-IV અને જૂના ડીઝલથી ચાલતાં મધ્યમ માલવાહક વાહનોના સંચાલન પર પણ રોક લગાવવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં નોંધાયેલા જૂના ડીઝલ મધ્યમ અને હળવા માલવાહક વાહનોને પણ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. જોકે, દિવ્યાંગ વ્યક્તિઓના વ્યક્તિગત ઉપયોગ માટે ખાસ અનુકૂલિત કરાયેલા વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
AQI 382 પર પહોંચતાં ચિંતામાં વધારો
દિલ્હીમાં શુક્રવારે સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 નોંધાયો હતો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. હવાની ગુણવત્તા ગંભીર સ્તર તરફ આગળ વધી રહી હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. પવનની ગતિ ઘટવાની શક્યતાને કારણે વાતાવરણમાં પ્રદૂષિત કણો લાંબા સમય સુધી જમા રહેવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પ્રદૂષણનું સ્તર હજુ વધી શકે છે.
બાંધકામ પ્રવૃત્તિઓ પર પણ કડક નિયંત્રણ
GRAP-3 લાગુ થતાં બાંધકામ અને ધૂળનું પ્રમાણ વધારતી પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણો કડક બનાવવામાં આવ્યાં છે. સંબંધિત વિભાગોને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. હવાની ગુણવત્તામાં સુધારો ન થાય અને GRAP-3ના નિયંત્રણો અમલમાં રહે ત્યાં સુધી આ પ્રતિબંધો યથાવત્ રહેશે. દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ વચ્ચે શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો- 07 નવેમ્બરના મહત્વના સમાચાર : અયોધ્યા દીપોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી યોગી ફૂલોથી શણગારેલા રામ મંદિરમાં આરતી કરશે
