રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતા ત્યાંના ખેડૂતોમાં રોષ છે. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જોકે, રાજકોટ જિલ્લાને આ યાદીમાં સ્થાન ન મળતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી જ્યારે કેન્દ્રમાં શાસક તરીકે ગયા ત્યારે તેમણે ગુજરાતની જનાતાને કહ્યુ હતુ કે, કોઇ પણ સમસ્યા હોય મને પોસ્ટકાર્ડ લખી જણાવજો. આ વાતને ટાંકીને ખેડૂતો પોસ્ટકાર્ડ લખી રહ્યા છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરાય અને પૂરતી આર્થિક સહાય મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જેતપુર પંથકના ઉપલેટા અને ધોરાજી સહીતના વિસ્તારોનાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી આવક બંધ થઈ છે, જ્યારે આગામી સિઝનની ખેતી માટે પણ નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં દેવાનો બોજ સહન કરવો ખેડૂતો માટે મુશ્કેલ બની રહ્યો છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ફસલ વીમા યોજના સરકારે જે બંધ કરી તે ફરી શરૂ કરવી જોઈએ તેવી પણ ખેડૂતોની માગ છે.