સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?
એલન મસ્કના સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી વિવાદમાં છે. મસ્કે ભારતીય ટેલિકોમ દિગ્ગજો અંબાણી અને મિત્તલ પર નામ લીધા વિના એકાધિકારી મોનોપોલી જાળવી રાખવા રોકવાનો આરોપ મૂક્યો. આ વેપારી મહત્વાકાંક્ષા છે કે ભૌગોલિક-રાજકીય એંગલ? મસ્કનું વર્ષ 2020નુ એ ટ્વીટ જેમા તેમણે કહ્યુ હતુ કે અમે જ્યાં ઈચ્છીએ ત્યાં સત્તા પરિવર્તન કરી શકીએ છીએ. અને સ્ટારલિંક દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં સૈન્ય સંચાર જાળવી રાખવા માટે મસ્કના સ્ટારલિંક નેટવર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ઈરાનમાં જ્યારે સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થયા અને સ્થાનિક સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઈરાનમાં ગેરકાયદેસર રીતે સ્ટારલિંક ડિવાઇસ સ્મગલિંગ કરીને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે ભારતમાં પણ સ્ટારલિંકની એન્ટ્રી કરાવીને મસ્ક શું સત્તા પરિવર્તનનો ગેમ પ્લાન બનાવી રહ્યા છે?- વાંચો

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઇલોન મસ્કે ભારતના ટોચના બિઝનેસમેન અંબાણી અને મિત્તલ જે ટેલિકોમ કંપનીના માલિક છે, તેઓ પર આકરા પ્રહારો કરતા લખ્યું હતું કે કેટલાક ધનાઢ્યો (ઓલિગાર્ક્સ) પોતાના સ્વાર્થ અને મોનોપોલી જાળવી રાખવા માટે સ્ટારલિંકને ભારતમાં આવવા દેતા નથી. મસ્કનો સીધો ઈશારો ભારતીય ટેલિકોમ ક્ષેત્રના અગ્રણીઓ મુકેશ અંબાણી (Jio) અને સુનીલ ભારતી મિત્તલ (Airtel) તરફ હતો. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ‘ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ’ (IMC) માં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે પણ દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 5 વર્ષથી ભારતમાં સેવા શરૂ કરવા માટે સરકારી પરમિશનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વિવાદ માત્ર બે વેપારી જૂથો વચ્ચેની હરીફાઈ પૂરતો મર્યાદિત નથી. મસ્કની ભારતમાં વહેલી તકે પ્રવેશ કરવાની તાલાવેલી પાછળ શું માત્ર વ્યાપારી લાભ છે કે પછી પશ્ચિમી તાકાતો દ્વારા ભારતમાં સત્તા પરિવર્તન કે રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો કોઈ ઊંડો એંગલ છે, તે અંગે હવે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.
2020 નું મસ્કનું એ ટ્વીટ “અમે જ્યાં ઈચ્છીએ ત્યાં સત્તા બદલી શકીએ છીએ”
ઇલોન મસ્ક અને સત્તા પરિવર્તન (Regime Change) વચ્ચેનો સંબંધ સમજવા માટે 2020 ની એ ઘટના યાદ કરવી પડે. વર્ષ 2020 માં દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં ભારે રાજકીય અશાંતિ અને તખ્તાપલટની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તે સમયે સોશિયલ મીડિયા પર જ્યારે એક યુઝરે મસ્કને પૂછ્યું કે શું અમેરિકી સરકાર બીજા દેશોની સત્તા હટાવવામાં માહેર છે, ત્યારે મસ્કે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો કે, “અમે જ્યાં ઈચ્છીએ ત્યાં સત્તા બદલી શકીએ છીએ, તમને ગમે કે ન ગમે”. જો કે મસ્કે પાછળથી એ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું, પરંતુ તેનાથી તેમની માનસિકતા સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેઓ પોતાની ટેકનોલોજી અને આર્થિક તાકાતના જોરે કોઈપણ દેશના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ નિવેદનને કારણે જ આજે ભારત જેવા સંપ્રભુતા દેશમાં સ્ટારલિંકની અનિયંત્રિત એન્ટ્રી સામે શંકાની દૃષ્ટિએ જોવાઈ રહી છે.
પશ્ચિમી દેશો અને સ્ટારલિંકનો ભૌગોલિક-રાજકીય હથિયાર તરીકે ઉપયોગ
સ્ટારલિંક માત્ર ઇન્ટરનેટ આપતી કંપની નથી, પરંતુ તે ભૌગોલિક રાજનીતિનો (Geopolitics) નું એક શક્તિશાળી હાથો બની ચૂકી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય (DoD) દ્વારા વિશ્વભરના યુદ્ધગ્રસ્ત અને અશાંત વિસ્તારોમાં સ્ટારલિંકના ટર્મિનલ્સ પહોંચાડવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં સૈન્ય સંચાર જાળવી રાખવા માટે મસ્કના સ્ટારલિંક નેટવર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ઈરાનમાં જ્યારે સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થયા અને સ્થાનિક સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઈરાનમાં ગેરકાયદેસર રીતે સ્ટારલિંક ડિવાઇસ સ્મગલિંગ કરીને પહોંચાડવામાં આવ્યા હતા જેથી વિરોધ પ્રદર્શનોને વધુ હવા આપી શકાય. સામાન્ય રીતે કોઈપણ દેશમાં અફવાઓ, રમખાણો કે હિંસા રોકવા માટે સરકાર સૌપ્રથમ ઇન્ટરનેટ બંધ કરે છે. પરંતુ જો સ્ટારલિંક જેવું સેટેલાઇટ નેટવર્ક ઉપલબ્ધ હોય, તો સરકારના નિયંત્રણ વગર અફવાઓ ફેલાવીને દેશની અંદર સત્તા પરિવર્તનના પ્રયાસોને સરળતાથી બળ આપી શકાય છે.
મણિપુર હિંસા પાછળ પણ ભારતમાં ગેરકાયદેસર સ્ટારલિંક ઉપકરણો મળ્યા હોવાના દાવા
ભારતમાં પણ આ જોખમના સંકેતો મળી ચૂક્યા છે. વર્ષ 2024 માં ભારતના સંવેદનશીલ રાજ્ય મણિપુરમાં જ્યારે વંશીય અશાંતિ અને હિંસા ચરમસીમા પર હતી, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વપરાતા સ્ટારલિંકની ડિવાઇસ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ અંગે મસ્ક અને તેમની કંપનીને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે તેમણે ભારત ઉપર સિગ્નલ (Beam) એક્ટિવેટ કર્યા નથી. પરંતુ ભારતની પાડોશમાં આવેલા બાંગ્લાદેશ અને મ્યાનમારમાં સ્ટારલિંકની સેવાઓ ચાલુ હોવાના કારણે સરહદી વિસ્તારોમાં તેના સિગ્નલ પકડાતા હતા અને તેનો ઉપયોગ સરકારી પ્રતિબંધ હોવા છતાં માહિતી ફેલાવવા માટે થઈ રહ્યો હતો. આ ઘટના પુરવાર કરે છે કે જો ભારત સરકારની પરવાનગી વગર સેટેલાઇટ ઇન્ટરનેટ દેશમાં પ્રવેશશે, તો તે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક શાંતિ માટે કેટલું મોટું જોખમ બની શકે છે.
‘X’ નો ઉપયોગ અને વૈશ્વિક નેરેટિવ પર કબજો
ઇલોન મસ્કે $૩૩ બિલિયનથી વધુની જંગી રકમ ખર્ચીને ટ્વિટર (X) ખરીદ્યું હતું. આ ડીલ પાછળનો મુખ્ય હેતુ માત્ર નફો કમાવવાનો નહોતો, પરંતુ વિશ્વભરના સમાચાર અને માહિતીના પ્રવાહ (Discourse) પર પોતાનો કબજો જમાવવાનો હતો. ટ્વિટર એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી નેરેટિવ અને અફવાઓ ઝડપથી વૈશ્વિક સ્તરે ફેલાય છે. તાજેતરમાં જ ‘Doge Designer’ નામના એકાઉન્ટ પરથી ભારતના 11,256 ગામડાઓમાં 4G ન હોવાની પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને મસ્કે તરત જ રી-ટ્વીટ કરીને ભારતીય સિસ્ટમ અને ઉદ્યોગપતિઓ સામે મોરચો માંડ્યો હતો. મસ્ક પોતાના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોઈપણ દેશની સરકાર સામે જનમત ઊભો કરી શકે છે. વધુમાં, X પર ભારત વિરોધી કે નસલવાદી સામગ્રીને સહેલાઈથી વાયરલ થવા દેવામાં આવે છે અને તેને દૂર કરવાની ભારત સરકારની વિનંતીઓને ઘણીવાર નકારી કાઢવામાં આવે છે, જે મસ્કની ભારતીય સંપ્રભુતા પ્રત્યેની નીતિ દર્શાવે છે.
પશ્ચિમી દેશોના બેવડા ધોરણો અને સુરક્ષાનો મુદ્દો
અમેરિકા અને પશ્ચિમી દેશો પોતાની સુરક્ષાના નામે અત્યંત કડક વલણ અપનાવે છે. વર્ષ 2026 માં પણ અમેરિકી સરકારે ચીનની ‘Huawei’ અને ‘ZTE’ જેવી કંપનીઓ પર ટેલિકોમ ક્ષેત્રે પ્રતિબંધ મૂક્યો છે, તેમજ ચીની માનવરહિત રોબોટ્સ અને ડેટા સેન્ટર્સનો સુરક્ષાના નામે બહિષ્કાર કર્યો છે. અમેરિકાનું માનવું છે કે ચીની કંપનીઓ તેમના નાગરિકોનો ડેટા ચોરી કરી શકે છે. પરંતુ જ્યારે ભારત જેવા દેશો પોતાની આંતરિક સુરક્ષા અને કાયદાઓ મુજબ સ્ટારલિંક પાસે લાયસન્સિંગ અને ડેટા લોકલાઇઝેશનની માગણી કરે છે, ત્યારે મસ્ક અને પશ્ચિમી મીડિયા તેને “ઓલિગાર્ક્સનો દબાણ” અથવા “મુક્ત વ્યાપાર પર રોક” તરીકે ચીતરીને ભારત સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે.
ભારત સરકારનું વલણ અને રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતા
ઇલોન મસ્કે2021 માં ભારત સરકારની મંજૂરી લીધા વિના જ ભારતીય ગ્રાહકો પાસેથી પ્રી-બુકિંગ પેટે નાણાં ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. ભારત સરકારે આ બાબતે સખત વાંધો ઉઠાવીને પ્રી-બુકિંગ બંધ કરાવ્યું હતું અને તમામ ગ્રાહકોના પૈસા પરત અપાવ્યા હતા. સરકારે સ્પષ્ટ કર્યું છે કે મસ્કના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ભારતના લાયસન્સિંગ નિયમો બિન-ભેદભાવપૂર્ણ છે અને જિયો, એરટેલ કે સ્ટારલિંક દરેક માટે સમાન શરતો લાગુ પડે છે. દેશના વડાપ્રધાને પણ ટાંક્યું છે કે આજના ડિજિટલ યુગમાં દેશના સૈન્ય, નાગરિકોના ફોન અને નેટવર્કની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો સ્ટારલિંકે ભારતમાં આવવું હોય તો તેણે સરકારી સુરક્ષા એજન્સીઓને નિયંત્રણ અને મોનિટરિંગના અધિકારો આપવા જ પડશે.
વ્યાપારી મોડેલ કે રાજકીય રમત?
મસ્ક દાવો કરે છે કે તેઓ ભારતના 6.5 લાખ ગામડાઓમાંથી ઇન્ટરનેટથી વંચિત 11,256 ગામડાઓને કનેક્ટ કરવા માગે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્ટારલિંકની હાર્ડવેર કિટ ₹35000 ની આવે છે અને તેનો માસિક ચાર્જ ₹5000 થી ₹8000 ની વચ્ચે હોઈ શકે છે. જે ગામડાઓમાં લોકો સસ્તું ઇન્ટરનેટ વાપરે છે ત્યાં આટલી મોંઘી સેવા ખરીદવાની ક્ષમતા જ નથી.ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં કોઈ વિદેશી ટેક-જાયન્ટને પોતાની મનમાની કરવાની કે આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની છૂટ આપી શકાય નહીં. જો સ્ટારલિંકે ભારતમાં વેપાર કરવો હશે તો તેણે ભારતના સંપ્રભુ કાયદાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના માપદંડોને અનુસરવા જ પડશે.
