ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ
સૌરાષ્ટ્ર (Saurashtra), દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં વરસાદની શરૂઆત થઈ છે. આજે રાજ્યમાં અમરેલી, બોટાદ, સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ચારથી પાંચ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર, (Saurashtra) દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં (Rain) વરસાદની શરૂઆત થઈ છે. ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક શ્રાવણના સરવરિયાએ ફરીથી ધરતી ભીંજવવાની શરૂઆત કરી છે. આજે રાજ્યમાં અમરેલી, બોટાદ, સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.
બોટાદઃ જિલ્લાના ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન
બોટાદ જિલ્લામાં સિઝનનો સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આજે ગઢડા તેમજ ઢસા, ગુંદાળા, રણિયાળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે.
જેતપુરમાં વરસાદથી ઠંડક
સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીકના જેતપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી ભારે બફારો થયા બાદ લાંબા વિરામ બાદ જેતપુરમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બાબરામાં ભારે પવન સાથે વરસાદ
અમરેલીના બાબરા પંથકના ચમારડીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારા બાદ 10 દિવસના વિરામ બાદ વરસાદ ખાબકતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari) માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો.
જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા. તો બે દિવસ અગાઉ પણ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ તો રાજુલાના ડુંગર, સાજવણવાવ, ડુંગર પરડા, રાભડા સહિતના ગામડાઓમાં બફારા બાદ વરસાદ થતા લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો.
મહિસાગરમાં મકાઇના પાકને મળશે નવજીવન
મહીસાગર જિલ્લામાં લાબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને લુણાવાડા, સંતરામપુર, કડાણા, વીરપુર, બાલાસિનોરમાં વરસાદ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. ખેડૂતોએ વાવેલા ડાગંર, મકાઇ, જેવા પાકોને આ વરસાદથી જીવતદાન મળશે જિલ્લામાં હાલમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.
મહેસાણામાં વરસાદથી હાઇવે પર ભરાયા પાણી
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેસાણા પંથકમાં પધરામણી કરી છે. જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. વરસાદને પગલે મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. મહેસાણા ઉપરાંત ઉંઝા,વડનગર, કડી, બેચરાજી તમામ જિલ્લામાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હતા.