દાહોદ બાદ પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌંભાડનો પરદો ઉંચકતા અમિત ચાવડા !
અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાનો મિથ્યા પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ પુરાવાઓ મંત્રીપુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગાવ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખ્ખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, અમિત ચાવડાએ આજે, મનરેગા થકી ભાજપમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ એમ પણ કહ્યું છે કે, ચૂંટણીના વર્ષમાં મનરેગામાં વ્યાપક નાણાકીય ગોલામાલ થઈ છે. આ રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હોવાની સંભાવનાઓ દર્શાવીને અમિત ચાવડાએ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ કરાવવા અને જવાબદારોને જેલમાં ધકેલવાની માંગ કરી છે.
ગુજરાતમાં ભાજપની સરકારમાં, અપાદર્શક નહીં પરંતુ પારદર્શક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે. મનરેગાના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો ખ્યાલ આવી જાય કે ભ્રષ્ટાચાર ક્યા અને કેવી રીતે આચરવામાં આવ્યો છે. ભાજપના મોટા માથાઓના સગા વ્હાલાઓની એજન્સીઓને લાખો કરોડો રૂપિયાનુ કામ આપી દેવામાં આવ્યું છે. મનરેગા યોજનાના નીતિ નિયમો સ્પષ્ટ છે કે, મટિરીયલ અને મજૂરી માટેની કેટલી જોગવાઈ હોવી જોઈએ, પરંતુ ગુજરાતમાં આ નીતિ નિયમોનો છેદ ઉડાડીને સરેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાનો મિથ્યા પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ પુરાવાઓ મંત્રીપુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગાવ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખ્ખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગુજરાતમાં તો ચોકીદાર જ ચોર હોય તેવો ઘાટ સર્જાયો છે.
અમિત ચાવડાએ મનરેગા યોજનામાં કેવી રીતે પારદર્શક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો આંકડાઓ રજૂ કરીને પર્દાફાશ કર્યો હતો. પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 26 ગામ આવે છે અને 42 હજારની વસ્તી છે. પરંતુ મનરેગા યોજના થકી તેમાં 2021-2022ના વર્ષમાં 54 કરોડ 39 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ પૈકી 21 ટકા રકમ મજૂરી પાછળ અને 79 ટકા રકમ મટીરીયલ પાછળ વપરાયો છે. મનરેગા યોજના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી આપવા માટે છે. આ કાયદા મુજબ 60 ટકા રકમ રોજગારી હેઠળ અને 40 ટકા રકમ મટીરીયલ પાછળ વાપરવાની જોગવાઈ છે. તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, જે વર્ષમાં ભાજપે ધનસસંચય યોજના અમલમાં મૂકી હતી તે 2022-2023ના વર્ષમાં માત્ર જાંબુઘોડા તાલુકામાં જ મનરેગા હેઠળ 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે જેમાંથી માત્ર 6 ટકા રકમ જ મજૂરી માટે ચૂકવાઈ છે. બાકીની 94 ટકા રકમ મટીરીયલ માટે વપરાઈ છે.
અમિત ચાવડાએ એમ પણ કહ્યું છે કે, આ દસ્તાવેજી પુરાવાઓ અને આંકડાકીય માહિતી પૂરી પાડવામાં મને ભાજપના પણ કેટલાક લોકોએ મદદ કરી છે. તેમણે પણ કહ્યું છે કે વિકાસના નામે કેટલાકના ઘર અને તિજોરી ભરાઈ છે. તે ખાલી કરાવીને જેલની કોટડીઓ ભરાવી જોઈએ.