GIFT City Liquor New Rules : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ, આ લોકોને વગર પરમિટે મળશે દારૂ
ગુજરાતના GIFT સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટી છૂટછાટ અપાઈ છે. હવે, નિયુક્ત હોટલો અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં, માત્ર માન્ય ID પૂરતું છે.

ગુજરાતમાં દારૂબંધી અંગે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ‘ડ્રાય સ્ટેટ’ તરીકે ઓળખાતું ગુજરાત હવે ગાંધીનગર સ્થિત GIFT સિટી માટે અલગ નિયમો સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણયને કારણે રાજ્યભરમાં અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી), ગાંધીનગરને વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ દિશામાં સરકારે દારૂના સેવન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવ્યા છે. હવે GIFT સિટીની અંદર આવેલી નિર્ધારિત હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે અગાઉ જેમ પરમિટ લેવાની જરૂર હતી, તે પ્રક્રિયા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બરે જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર, GIFT સિટીની સીમામાં દારૂના સેવન માટે ઐતિહાસિક છૂટછાટ આપવામાં આવી છે. હવે ગુજરાતની બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ પીવા માટે કામચલાઉ લિકર પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. GIFT સિટીમાં પ્રવેશ કરતી વખતે કોઈપણ વ્યક્તિએ ફક્ત માન્ય ફોટો ઓળખપત્ર (ID પ્રૂફ) બતાવવો પડશે, જેના આધારે તેમને નિર્ધારિત હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટમાં દારૂ પીવાની મંજૂરી મળશે.

ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, સરકારે વર્ષ 2023માં GIFT સિટીને ચોક્કસ શરતો સાથે આ નિયમોમાંથી મુક્તિ આપી હતી. તેનો મુખ્ય હેતુ GIFT સિટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યાપાર કેન્દ્ર તરીકે વિકસાવવાનો હતો. તાજેતરમાં કરવામાં આવેલા આ ફેરફારથી વિદેશી રોકાણકારો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે અહીં કામ કરવાનો અનુભવ વધુ અનુકૂળ બનશે.

સરકારના આ નિર્ણયને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપતું પગલું માનવામાં આવી રહ્યું છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સતત GIFT સિટી, ગાંધીનગરમાં પોતાની ઓફિસો સ્થાપી રહી છે. દારૂના નિયમોમાં આપવામાં આવેલી આ છૂટછાટથી અહીંના હોસ્પિટાલિટી, પર્યટન અને નાઇટલાઇફ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે અને GIFT સિટીની વૈશ્વિક છબી વધુ મજબૂત બનશે.
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
