મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીના કેસમાં કિરણની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી છે. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે મકાન પડાવવાનો કારસો રચ્યો હતો. થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
હાલમાં મહાઠગ કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસની ગિરફ્તમાં છે. જે પછી અમદાવાદના એક ગુનામાં ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇને અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદના ગુનામાં કિરણ પટેલની પત્ની વિરુદ્ધ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.
કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. PMOના અધિકારી અને મોટી ઓળખ બતાવીને સિંધુ ભુવન રોડ પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં હાથ પર લીધું હતુ. જે બાદ બંગલાના માલિકની નેમ પ્લેટ બદલી બંગલો પોતાની બતાવી વાસ્તુ પૂજન કર્યું. જેના ફોટો બતાવી બંગલાની માલિકી લેવા કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ દાખલ કરાવ્યો. આ મહાઠગે સમાધાન માટે માણસો મોકલીને રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે માલિકે કોઈ પણ વ્યવહાર કરવાની ના પાડી હતી.
બીજી તરફ ઘોડાસરમાં પતિ-પત્ની જે ભાડાના બંગલોમાં રહેતા હતા, તેનું પણ ભાડુ તેમણે પાંચ વર્ષથી ચુકવ્યુ ન હતુ. રાજકીય નેતાઓ સાથે સારી ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલ બંગલામાં રહેવા આવ્યો હતો. જે બાદ બંગલો ખાલી કરવાનું વારંવાર વચન આપ્યું હતુ. પરંતુ કોઈ ને કોઈ બહાના બતાવીને બંગલો ખાલી કરતો ન હતો. ત્યારે આ મકાન માલિક દ્વારા તેમનો બંગલો પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મકાન માલિક પણ ક્રાઇમ બ્રાંચ પહોંચ્યા હતા. જો કે મિલકતનો પ્રશ્ન હોવાથી સિવિલ કેસ કરવાની સલાહ ક્રાઈમ બ્રાંચે આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:14 am, Tue, 28 March 23