Bhavnagar : પાલીતાણાના શેત્રુંજી પર્વત પર ફરી વનરાજાની લટાર, યાત્રિકોમાં ફફડાટ, જુઓ Video
પાલીતાણાના શેત્રુંજી પર્વત પર સિંહ દેખાતા યાત્રિકોમાં ફફડાટ ફેલાયો. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે. સિંહ ડુંગરના મુખ્ય માર્ગ પર નિર્ભયતાથી ફરતો જોવા મળ્યો હતો. જેનાથી યાત્રિકોએ સલામતી માટે દોડધામ કરી હતી. વન વિભાગ દ્વારા સાવચેતીનાં પગલાં લેવાયાં અને યાત્રિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
Lion Spotted on Shatrunjaya Hill: ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા પવિત્ર શેત્રુંજી પર્વત પર ફરી એક વખત વનરાજાની લટાર જોવા મળી છે. ડુંગર પર અચાનક સિંહ આવી જતા યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. શેત્રુંજી પર્વતના મુખ્ય માર્ગ પર સિંહ નિર્ભયતાથી ફરતો નજરે પડતાં યાત્રિકો રસ્તા પર જ અટકી ગયા હતા અને કેટલાકે દોડધામ કરી પોતાની સુરક્ષા કરી હતી.
સિંહ પગથિયાં નજીક લટાર મારતો જોવા મળ્યો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેમાં સિંહ શેત્રુંજી પર્વતના પગથિયાં નજીક લટાર મારતો સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને યાત્રિકોને થોડા સમય માટે આગળ વધતા રોકવામાં આવ્યા હતા.
વન વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને યાત્રિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગીરસીમા બહાર સિંહોની હાજરી વધતી જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં ચિંતા પણ વધી છે.

