દાઉદ ઈબ્રાહિમનો નજીકનો વ્યક્તિ રિયાઝ ભાટી PM મોદીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો? ફડણવીસના આરોપ પર નવાબ મલિકનો પલટવાર
નવાબ મલિકે કહ્યું, રિયાઝ ભાટી દાઉદ ઈબ્રાહિમની ગેંગનો માણસ છે. તે ડબલ પાસપોર્ટ સાથે પકડાય છે અને બે દિવસમાં છૂટી જાય છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં રિયાઝ ભાટી કઈ રીતે પહોંચ્યો ?
Maharashtra: NCP નેતા નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પર આકરા પ્રહારો કર્યા હતા. નવાબ મલિકે કહ્યું, ‘રિયાઝ ભાટી કોણ છે ? દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે તેના સંબંધો છે. દરેક વ્યક્તિ આ જાણે છે. અખબારોમાં તેના વિશે સમાચાર આવ્યા હતા. તે ડબલ પાસપોર્ટ સાથે મુંબઈના સહાર એરપોર્ટ પર પકડાયો અને બે દિવસમાં છૂટી ગયો.
રિયાઝ ભાટી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો?
વધુમાં આરોપ લગાવ્યો કે રિયાઝ ભાટી પ્રધાનમંત્રીના(PM Narendra Modi) કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો? તે સ્કેન કર્યા વિના કેવી રીતે પહોંચી ગયો? તમે તે સમયે મુખ્યમંત્રી હતા. બે પાસપોર્ટ સાથે પકડાયેલ ગંભીર આરોપો ધરાવતો વ્યક્તિ તમારી સાથે ફરતો કેમ જોવા મળ્યો? રિયાઝ ભાટીનો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. તમારા આશ્રય હેઠળ રિયાઝ ભાટી અહીં ખંડણીનો ધંધો ચલાવતો હતો.
ઉપરાંત તેણે કહ્યું, ‘ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે મારા પર આરોપ લગાવ્યો હતો કે મેં દોષિત ગુનેગારો અને અંડરવર્લ્ડના લોકો પાસેથી જમીન ખરીદી છે. સૌપ્રથમ તો સલીમ જેની પાસેથી મેં જમીન ખરીદી હતી તેની મને જાણ નહોતી. શાહ વલી ખાનને તે વખતે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ (Mumbai Blast case) દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો, તે આરોપી હતો. તમે કહ્યું કે હું તે સમયે મંત્રી હતો. પણ ત્યારે હું મંત્રી નહોતો.
એક વર્ષથી મહારાષ્ટ્રમાં નકલી નોટનો એક પણ કેસ સામે આવ્યો નથી
વધુમાં નવાબ મલિકે કહ્યું કે 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટો પકડી હતી. નવી મુંબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ફડણવીસ સરકારે મામલો દબાવી દીધો હતો.
ગુંડાને સરકારી બોર્ડનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો
નવાબ મલિકે(Nawab Malik) વધુમાં કહ્યું ‘પરંતુ તમે મુખ્યમંત્રી હતા ત્યારે કુખ્યાત ગુંડાને સરકારી બોર્ડનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. નાગપુરના મોટા ગુંડા મુન્ના યાદવને કન્સ્ટ્રક્શન બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા કે નહીં? હૈદર આઝમ બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં સેટલ કરવાનું કામ કરે છે. તેની બીજી પત્ની બાંગ્લાદેશની છે. બંગાળ પોલીસે તેની તપાસ શરૂ કરી તો શું મલાડ પોલીસે આ કાર્યવાહીને દબાવવાનું કામ કર્યું કે નહીં?