સોનું કેમ હંમેશા ‘ચાંદી’ કરતા મોંઘું રહે છે ? કિંમતોની તફાવત પાછળ છુપાયેલા છે ‘ચોંકાવનારા કારણો’
આપણે બધા જાણીએ છીએ કે, સોનું અને ચાંદી બંને ખૂબ જ કિંમતી ધાતુ છે. લગ્ન પ્રસંગ હોય કે રોકાણની વાત, આ બંને હંમેશા આપણી પહેલી પસંદ રહે છે. એવામાં ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે, આ બંને ધાતુ બજારમાં આટલી બધી લોકપ્રિય હોવા છતાં સોનાના ભાવ આસમાને કેમ હોય છે અને ચાંદી તેની સરખામણીએ ઘણી સસ્તી કેમ મળે છે?

સોનું અને ચાંદી બંનેને કિંમતી ધાતુઓમાં ગણવામાં આવે છે. રોકાણથી લઈને ઘરેણાં સુધી બંને ધાતુનો ઉપયોગ થાય છે. બજારની વધઘટ વચ્ચે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે રોકાણકારો પણ આ ધાતુઓ તરફ વળે છે.

એવામાં જ્યારે કિંમતની વાત આવે છે, ત્યારે બંને ધાતુ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સોનાની સરખામણીમાં ચાંદી ઘણી સસ્તી જણાય છે. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી બની જાય છે કે, કયા કારણોસર આ બંને ધાતુઓની કિંમતોમાં આટલો મોટો તફાવત રહે છે?

સોનાની સરખામણીએ ચાંદીની બજાર સાઇઝ ઘણી નાની માનવામાં આવે છે. એક અંદાજ મુજબ, 'ચાંદી' બજારનો માત્ર 10 ટકા હિસ્સો જ ધરાવે છે. ચાંદીની તુલનામાં સોનામાં વધુ રોકાણ અને ટ્રેડિંગ થાય છે, જે તેને એક મજબૂત તેમજ ભરોસાપાત્ર રોકાણ વિકલ્પ બનાવે છે. આ જ કારણ છે કે, અનિશ્ચિત સંજોગોમાં લોકો સોના તરફ વધુ વળે છે, જેના કારણે તેની કિંમત ઊંચી રહે છે.

સોનાની સરખામણીમાં ચાંદીની ઉપલબ્ધતા વધુ હોવાને કારણે પણ કિંમતોમાં તફાવત જોવા મળે છે. આ સાથે જ, સોનાના ખનન (ખોદકામ)ની પદ્ધતિ ઘણી અઘરી અને ખર્ચાળ હોય છે, કારણ કે તેને જમીનની ઊંડાઈએથી ખાસ પદ્ધતિઓ દ્વારા કાઢવામાં આવે છે. બીજી તરફ, ચાંદી ઘણીવાર તાંબુ, જસત કે સીસું જેવી બીજી ધાતુઓના ખનન દરમિયાન આડપેદાશ તરીકે મળી આવે છે, જેના કારણે તેનો અલગથી ખર્ચ ઓછો થાય છે. આમ, ઉત્પાદન ખર્ચ ઓછો હોવાને કારણે ચાંદીની કિંમત સોના કરતા ઓછી રહે છે.

ચાંદીનો ઉપયોગ ઉદ્યોગોમાં વધુ થાય છે અને તેની માંગ સીધી રીતે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય છે, જ્યારે અર્થતંત્ર ધીમું પડે છે અથવા વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રભાવિત થાય છે, ત્યારે ચાંદીની માંગ પર અસર પડે છે અને તેની કિંમતો ઝડપથી નીચે આવી શકે છે. આ જ કારણ છે કે, સોનાની સરખામણીમાં ચાંદી સામાન્ય રીતે સસ્તી રહે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

દુનિયાની મોટાભાગની સેન્ટ્રલ બેંકો પોતાના અનામત ભંડાર (Reserve) માં સોનાને મોટી માત્રામાં રાખે છે, જેના કારણે તેની માંગ સતત જળવાઈ રહે છે. સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાનો સંગ્રહ કરવાને કારણે કિંમતો પણ ઊંચી રહે છે. બીજી તરફ, ચાંદીને હવે સેન્ટ્રલ બેંકોના સત્તાવાર ભંડારમાં ખાસ જગ્યા મળતી નથી, જેના કારણે તેની માંગ એટલી મજબૂત રહેતી નથી અને તે સોનાની તુલનામાં સસ્તી રહે છે.

સોનું અને ચાંદી જેવી ધાતુઓની કિંમતોમાં અવારનવાર ઝડપી ફેરફાર જોવા મળે છે. અનેક બાહ્ય અને બજારને લગતા પરિબળો આ માટે જવાબદાર હોય છે. આર્થિક સ્થિતિમાં ફેરફાર, માંગ અને પુરવઠાનું સંતુલન બગડવું, રોકાણકારોનો અભિગમ અને બજારની વર્તમાન સ્થિતિ - આ બધું મળીને તેના ભાવ નક્કી કરે છે. સાથે જ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે પણ કિંમતોમાં વધ-ઘટ થાય છે, જેના લીધે આ કિંમતી ધાતુઓના ભાવ બદલાતા રહે છે.
આ પણ વાંચો: સોનું ₹10 લાખ અને ચાંદી ₹6 લાખ થવાની આગાહી, બિટકોઈનમાં પણ મહા-તેજીના સંકેત
