Breaking News : રાજકારણમાંથી સન્યાસ લેશે શેખ હસીના! ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું અસર પડશે? જાણો
શેખ હસીના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે, જેની પુષ્ટિ તેમના પુત્ર સજીબ વાઝેદ જોયે કરી. વધતી ઉંમર અને લાંબા રાજકીય જીવનને કારણે આ નિર્ણય લેવાયો છે.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને આવામી લીગના નેતા શેખ હસીના હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા હોવાના સંકેતો મળ્યા છે. તેમના પુત્ર સજીબ વાઝેદ જોયે આ અંગે જાહેરમાં વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમની માતાએ વધતી ઉંમર અને લાંબા રાજકીય જીવનને ધ્યાનમાં રાખીને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ઉભરી આવેલા રાજકીય સંકટને કારણે તેઓ આ નિર્ણય જાહેર કરી શક્યા નહીં અને વડા પ્રધાન પદેથી રાજીનામું આપી ભારત આશ્રય લેવા મજબૂર બન્યા.
હાલમાં વોશિંગ્ટનમાં રહેતા સજીબ વાઝેદ જોયે અલ જઝીરાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શેખ હસીનાનો આ છેલ્લો કાર્યકાળ હતો અને તેમણે પહેલેથી જ રાજકારણ તથા ચૂંટણીથી દૂર રહેવાનું નક્કી કરી લીધું હતું. તેમણે આ પરિવર્તનને “હસીના યુગનો અંત” ગણાવ્યો અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયમ માટે સત્તામાં રહેતી નથી.
પાર્ટીના અસ્તિત્વ અથવા નેતૃત્વ પર કોઈ અસર પડશે નહીં – સજીબ વાઝેદ
આ જાહેરાત એવા સમયે સામે આવી છે જ્યારે બાંગ્લાદેશમાં આગામી મહિને સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી કમિશન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા આવામી લીગ આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં શેખ હસીના વિના આવામી લીગનું ભવિષ્ય શું હશે, તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ અંગે પુત્ર સજીબ વાઝેદે સ્પષ્ટ કહ્યું કે તેમની માતાની નિવૃત્તિથી પાર્ટીના અસ્તિત્વ અથવા નેતૃત્વ પર કોઈ અસર પડશે નહીં. આવામી લીગ 70 વર્ષ જૂનો રાજકીય પક્ષ છે અને તે વ્યક્તિ પર આધારિત નથી.
તમામ આરોપોને ફગાવ્યા
બીજી તરફ, ઇન્કલાબ મંચના પ્રવક્તા ઉસ્માન હાદીના મોત માટે આવામી લીગ પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે. સજીબ વાઝેદે આ તમામ આરોપોને ફગાવતા કહ્યું કે હાલની સ્થિતિમાં પાર્ટી પાસે આવા હુમલા કરવાની શક્તિ જ નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો આવામી લીગ એટલી શક્તિશાળી હોત, તો હાલની સરકાર અસ્તિત્વમાં હોત જ નહીં.
વિદ્યાર્થી આંદોલન બાદ 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું. આ આંદોલન દરમિયાન 1,400થી વધુ લોકોના મોત થયાના આરોપો લાગ્યા હતા. શેખ હસીના પર વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવાનો આરોપ પણ મૂકાયો હતો અને સંબંધિત ઓડિયો ફૂટેજ કોર્ટમાં રજૂ કરાયા હતા. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે તેમને અનેક કેસોમાં આજીવન કેદ અને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
શેખ હસીના વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા નહીં !
આ તમામ આરોપો અંગે સજીબ વાઝેદે જણાવ્યું કે તેમની માતાના નિવેદનોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. શેખ હસીનાએ શાંતિપૂર્ણ વિદ્યાર્થીઓ સામે નહીં પરંતુ હિંસક તત્વો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમના મતે, શેખ હસીના વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા હાજર નથી.
હાલમાં શેખ હસીના ભારતમાં રહે છે અને વર્ચ્યુઅલ રીતે આવામી લીગના સમર્થકોને સંબોધન કરી રહી છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ભારત સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. સજીબ વાઝેદનો વિશ્વાસ છે કે ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં કરે અને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર જ નિર્ણય લેશે.
એસ. જયશંકરે બાંગ્લાદેશ જઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપી
યુનુસ સરકારના સમયગાળામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે, ભારતને આશા છે કે ચૂંટણી બાદ નવી સરકાર બનતા બંને દેશોના સંબંધોમાં સુધારો આવશે. તાજેતરમાં BNP નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અવસાન બાદ ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે બાંગ્લાદેશ જઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને તારિક રહેમાન સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો શેખ હસીના રાજકારણમાંથી સંપૂર્ણ રીતે નિવૃત્તિ લે છે, તો ભારત પર તેમને સમર્થન આપવાનો આરોપ પણ આપમેળે નબળો પડી શકે છે. પરિણામે, ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી દિશા ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રમ્પ સાથે તણાવ વચ્ચે રશિયાએ ભારતને આપી મોટી ભેટ, જાણવા માટે અહીં ક્લિક કરો..
