રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી વિદ્યા ભારતી દેશભરમાં પાંચ નવી યુનિવર્સિટીઓ બનાવવાની છે. વિદ્યા ભારતીના રાષ્ટ્રીય સંગઠન સચિવ યતીન્દ્ર શર્માએ ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાતની પુષ્ટિ કરી હતી. એક અગ્રણી અખબારે શર્માને ટાંકીને કહ્યું કે, નવી યુનિવર્સિટીઓનો ઉદ્દેશ્ય શિક્ષણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. RSS દેશમાં વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તે જ સમયે, હવે તેનો હેતુ તેની સંસ્થાની ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
RSS કર્ણાટકના બેંગ્લોરમાં ચાણક્ય યુનિવર્સિટી ખોલી ચૂક્યું છે અને આસામના ગુવાહાટીમાં બીજી RSS University પર કામ ચાલી રહ્યું છે. બેંગ્લોરમાં યુનિવર્સિટીની પ્રથમ બેચ માટે કુલ 200 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ યુનિવર્સિટીમાં વિદ્યા ભારતી શાળાઓના 50 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. યતીન્દ્ર શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરએસએસ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તમામ વર્ગો, જાતિઓ અને સંપ્રદાયોના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. તેમણે કહ્યું કે, તેમની 29,000 શાળાઓમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં છે.
RSS સંલગ્ન વિદ્યા ભારતીએ તાજેતરમાં કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 વિશે જાગૃતિ લાવવા માટે એક અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ‘ભારત કેન્દ્રિત શિક્ષણ’ના પાસાઓને ઉજાગર કરવાનો છે. તેને ધોરણ 6થી પ્રસ્તાવિત કૌશલ્ય શિક્ષણ સાથે ‘શ્રમનું ગૌરવ’ પ્રેરિત કરવાનું અને NEP પર આધારિત સ્પર્ધાઓમાં ‘માતૃભાષા’ને પ્રોત્સાહિત કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે. આ અભિયાન 11 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું.
તેની જાહેરાત કરતા, સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રીરામ અરાવકરે જણાવ્યું હતું કે, દેશભરમાં શાળાઓના તેમના વિશાળ નેટવર્ક સાથે, તેઓ એનઈપીના અમલીકરણમાં સરકારને મદદ કરવાનું લક્ષ્ય રાખે છે. NEPને ભારત-કેન્દ્રિત નીતિ તરીકે વર્ણવતા, અરવકરે કહ્યું કે, તે દેશના દૂરના ભાગો સુધી પહોંચવું જોઈએ. ઝુંબેશમાં NEP હેઠળ સુધારાના અવકાશ, સ્કેલ અને અસર પર ચર્ચાનો સમાવેશ થાય છે. વધુમાં, MyNEP સ્પર્ધાઓ અને અન્ય લોકપ્રિય NEP-થીમ આધારિત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.