Wedding Song : શું આ હિન્દી ગીતનો મૃત્યુ સાથે કોઈ સંબંધ છે ? કેમ કેટલાક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી દરમિયાન આ ગીત વાગે છે ?
આજકાલ લગ્ન પ્રસંગે એક હિન્દી સોંગ ખૂબ જ વાગે છે. આ ગીત દુલ્હા-દુલ્હનની એન્ટ્રી પર વગાડવામાં આવે છે પરંતુ ગીતનો અર્થ શું? આ વાત મોટાભાગના લોકોને ખબર નથી.
કૈલાશ ખેરના ગીતોમાં એવો જાદુ છે કે, તેમના શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. “તેરી દીવાની,” “સૈયાં,” “બમ લહરી,” અને “જય જયકારા” જેવા ગીતોએ તેમને એક ખાસ ઓળખ આપી છે. આજકાલ તેમનું એક ગીત, “હે રી સખી મંગલ ગાઓ રી” લગ્નમાં ખૂબ વગાડવામાં આવી રહ્યું છે. આ ગીતનો ઉપયોગ લગ્નમાં કન્યા અને વરરાજાની એન્ટ્રીથી લઈને બીજા ઘણા સમારંભમાં થાય છે. જો કે, આ ગીત મૂળ લગ્ન માટે લખાયું છે જ નહીં.
પિતાના મૃત્યુ પછી લખાયું આ ગીત
કૈલાશ ખેરે ખુલાસો કર્યો કે, તેમણે તેમના પિતાના મૃત્યુ પછી “હે રી સખી મંગલ ગાઓ રી” લખ્યું હતું. હવે આનાથી પણ વધુ ભાવનાત્મક વાત એ છે કે, તેમણે આ ગીત તેમની મમ્મીના દ્રષ્ટિકોણથી ગાયું હતું, જે તેમના પપ્પા પહેલાં મૃત્યુ પામ્યા હતા.
આ ગીતમાં, તે તેની માતાની કલ્પના કરે છે. ટૂંકમાં જ્યારે તેમના પિતા સ્વર્ગમાં આવશે, ત્યારે તેમની માતા તેમનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી હશે. આમ, આ ગીત સ્વર્ગમાં બે આત્માઓના પુનઃમિલનને દર્શાવે છે. વર્ષ 2009 માં તેમના પિતાના અવસાન પછી કૈલાશ ખેરે આ ગીતમાં પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. ઘણા લોકો તેને લગ્નનું ગીત સમજી લે છે પરંતુ તેનો અર્થ ઘણો ઊંડો અને ભાવનાત્મક છે.
શું આ ગીત લગ્નમાં વગાડવું જોઈએ?
આ પ્રશ્નનો સરળ જવાબ એ છે કે, તે સંપૂર્ણપણે તમારા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. ગીતનું “મિલન” બે આત્માઓના પુનઃમિલનનું સૂચન કરે છે. તેનો આધ્યાત્મિક અર્થ પણ છે, જેમ કે કોઈ ભક્ત પોતાના ભગવાનને મળે છે.
આ ગીતમાં કંઈ જ નકારાત્મકતા કે અશુભ વાત નથી. આ જ કારણ છે કે, ઘણા લોકો તેને લગ્નમાં શુભ સંકેત માને છે અને દૂલ્હા-દૂલ્હનની એકતાનું પ્રતિક માનીને વગાડે છે. ગીતનો મૂળ અર્થ થોડો અલગ છે પરંતુ પ્રેમ, મિલન અને આધ્યાત્મિક જોડાણની લાગણીઓના કારણે તે લગ્નમાં વાગે તો ખોટું પણ નથી. આ બધું તમારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.
