Surat: વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાની સરકારની વાતો વચ્ચે, ઝાંખરડાની શાળામાં તો 12 વર્ષથી વિદ્યાર્થીઓને મળે છે ગીતા અને કુરાન બંનેનું જ્ઞાન
ઝાંખરડા ગામની (zankharda Village) આ પ્રાથમિક શાળામાં 71 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ભગવદ્દ ગીતાના પાઠથી બાળકોમાં સારા સંસ્કારો જોવા મળી રહ્યા છે. બાળકો દરરોજ ઘરેથી શાળા (School) આવે તે પહેલાં પોતાના માતા પિતાને પગે લાગે છે. સૌ વિદ્યાર્થીઓ મિત્રો સાથે ગામના મંદિર અને મસ્જિદે પ્રાર્થના કરી શાળાએ પહોંચે છે.
હાલમાં ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયેલુ છે. બીજી તરફ રાજ્યમાં ધો-6 થી 12ના વિદ્યાર્થીઓને પવિત્ર ગ્રંથ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ભણાવવાનો નિર્ણય હાલમાં જ ગુજરાત સરકારે લીધો છે. જો કે ગુજરાતની (Gujarat) એક શાળાના શિક્ષક સરકારના આ નિર્ણયના ઘણા વર્ષો પહેલાથી બાળકોને ભગવદ્દ ગીતા (Bhagavad Geeta) અને કુરાન (Quran) બંને ધાર્મિક પુસ્તકો દ્વારા સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. સરકારી શાળાના એક શિક્ષક છેલ્લા 12 વર્ષથી શ્રીમદ ભગવદ્દ ગીતાના શ્લોક અને કુરાનના આયાત બંને વિદ્યાર્થીઓને ભણાવે છે. નવાઇની વાત તો એ છે કે ગુજરાતની આ શાળામાં એક મુસ્લિમ શિક્ષક પહેલા ધોરણથી જ ધાર્મિક પુસ્તકોના પાઠ વિદ્યાર્થીઓને ભણાવે છે. એક મુસ્લિમ શિક્ષક બાળકોને ગીતાના પાઠ ભણાવે છે.
ગુજરાતમાં હાલ સરકાર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવા તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમે તમને ગુજરાતની એવી શાળા વિશે માહિતી આપીશુ જેમા વર્ષોથી એક શિક્ષક ધાર્મિક સંસ્કાર આપી રહ્યા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગીતા અને કુરાન બંને ભણાવવામાં આવે છે. બાળકોને આ ધાર્મિક શિક્ષણ આપવા પાછળ શિક્ષકનું માનવું એવુ છે કે, શાળામાંથી શિક્ષણ તો મળી રહેશે, પરંતુ શિક્ષણની સાથે સાથે ધર્મનું જ્ઞાન બાળકોને આપવામાં આવે તો તેમનામાં ધાર્મિક જાગૃતતા અને સંસ્કારનું સિંચન થાય. તેથી ઝાંખરડા ગામની શાળાના શિક્ષક આ અભિગમ સાથે બાળકોને છેલ્લા 12 વર્ષથી ધાર્મિક સંસ્કાર આપી રહ્યા છે.
કહેવાય છે કે, શિક્ષકને કોઈ ધર્મ નથી હોતો. તેના માટે દરેક ધર્મના વિદ્યાર્થી સરખા હોય છે. ઝાંખરડા ગામની શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ સઈદ ઇસ્માઇલ ખુદ મુસ્લિમ હોવા છતાં બાળકોને ભગવદ્દ ગીતાના પાઠ ભણાવે છે. શાળામાં દરેક જ્ઞાતિના બાળકો અભ્યાસ અર્થે આવે છે. જે ધર્મના બાળકો હોય તેમને તેજ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. ખાસ હિન્દૂ બાળકોને ભગવદ્દ ગીતા અને મુસ્લિમ બાળકોને કુરાનનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગળ રહેવા સાથે સેવાભાવી પણ બની ગયા છે. આ વિદ્યાર્થીઓ રોજ એક રૂપિયો બચાવે છે અને બિસ્કીટના પેકેટ લઇ સરકારી હોસ્પિટસમાં જાય છે અને તે દર્દીઓને આપે છે. બાળકોને જો ગામમાંથી કદાચ કોઈ જગ્યાએથી કોઈના ખોવાઇ ગયેલા પૈસા મળે તો શાળાના શિક્ષક પાસે જમા કરાવી આપે છે.
ઝાંખરડા ગામની આ પ્રાથમિક શાળામાં 71 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ભગવદ્દ ગીતાના પાઠથી બાળકોમાં સારા સંસ્કારો જોવા મળી રહ્યા છે. બાળકો દરરોજ ઘરેથી શાળા આવે તે પહેલાં પોતાના માતા પિતાને પગે લાગે છે. સૌ વિદ્યાર્થીઓ મિત્રો સાથે ગામના મંદિર અને મસ્જિદે પ્રાર્થના કરી શાળાએ પહોંચે છે. આ શાળાના બાળકો 7 અલગ અલગ ભાષા સડસડાટ બોલે છે. જેમાં હિન્દી, ઇંગ્લિશ, અરબી, ફ્રેન્ચ, સંસ્કૃત, ચાઈનીઝ, રોમન, જેવી ભાષાનો પણ સમાવેશ થાય છે. તેમજ આ બાળકો વૈદિક ગણિતના પણ જાણકાર છે. તેઓ કરોડોના હિસાબી દાખલા આંગળીને ટેરવે ગણી નાખે છે.
આ વાત તો રહી શિક્ષણની, પણ સંસ્કારની વાતમાં પણ આ બાળકો પાછળ પડે તેમ નથી. શાળાએ આવતા જતા બાળકો રસ્તે ચાલતા વડીલોના હાલ ચાલ પૂછે છે. તેમજ નિયમિત રીતે બાળકો મંદિર કે મસ્જીદ જવાનું ભૂલતા નથી. તેમજ શાળાએથી છૂટ્યા બાદ પ્રથમ ઘરે જઇ પોતાના માતા-પિતાના હાલ ચાલ પૂછી તેમને પાણી પીવડાવ્યા બાદ જ પોતે પાણી પીવે છે. આમ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન આ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા અપાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે 10થી 20 રૂપિયા ફી રાખવામાં આવશે, મે મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા
આ પણ વાંચોઃ Ahmedabad : સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો