Breaking News: ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત કેસમાં જયરાજ સિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો કરાશે નાર્કો ટેસ્ટ
ગોંડલ બહુચર્ચિત અને ચકચારી એવા રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જ્યારે આરોપી ગણેશ ગોંડલે પણ નાર્કો માટે સહમતી દર્શાવી છે.
ગોંડલમાં રાજસ્થાનના યુવક રાજકુમાર જાટના રહસ્યમય મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આપન જણાવી દઈએ કે રાજસ્થાનના યુવક રાજકુમાર જાટની હત્યા ગણેશ જાડેજાએ કરી હોવાનો મૃતક યુવકના પિતાએ આરોપ લગાવ્યો છે. ત્યારે આ કેસના તપાસ ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપવા આદેશ કર્યો છે. હાલ આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુ અને DySP જે.ડી પુરોહિત કરી રહ્યા છે. ત્યારે પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં ગણેશ જાડેજાનો નાર્કો કરવાની માગ કરી હતી. જે માગને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો કરવામાં આવશે. આરોપી ગણેશ જાડેજાએ પણ નાર્કો કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે.
કોણ છે રાજકુમાર જાટ?
મૂળ રાજસ્થાનના અને છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં રહેતા અને ખાણીપીણીની દુકાન ધરાવતા રતન ચૌધરીનો પુત્ર રાજકુમાર જાટનુ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. મૃતકના પિતાના આરોપ મુજબ તે છેલ્લે જયરાજ સિંહના બંગલે ગયો હતો જે બાદ તેમનો પુત્ર ઘરે આવ્યો ન હતો. મૃતકના પિતાનો આરોપ છે કે ગણેશ જાડેજાએ જ તેના પુત્રને માર મારીને હત્યા કરી છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, ‘ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે રાતથી જ તેમનો પુત્ર ભેદી રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.’
આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો મૃતક
જો કે પરિવારજનોનું કહેવુ છે કે તેને માર મારીને તેની હત્યા કરવામાં આવી છે. પરિવારના આરોપ મૃતકના કેટલાક મુજબ કેટલાક શંકાસ્પદ સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમા કેટલાક સીસીટીવીમાં મૃતકના શરીર પર એકપણ કપડા પણ ન હતા. જેના આધારે મૃતકની દિમાગી હાલત સ્થિર ન હોવાના પણ આરોપ લાગ્યા હતા. જો કે આ તમામ આરોપોનું પિતાએ ખંડન કર્યુ અને જણાવ્યુ કે તેમનો 30 વર્ષિય પુત્ર યુપીએસસીની તૈયારી કરતો હતી.
નાર્કો ટેસ્ટ બાદ આ કેસમાં અનેક છુપાયેલા પાસા પરથી પરદો ઉંચકાઈ શકે છે અને રાજકુમાર જાટના મોતમાં ગણેશ જાડેજાનો હાથ છે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે તેમજને અન્ય કોઈની સંડોવણી અંગે પણ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ આ કેસની તેજ ગતિએ તપાસ આગળ વધી રહી છે. નાર્કો ટેસ્ટથી કેસમાં છુપાયેલા અનેક પાસાં બહાર આવવાની શક્યતા છે. ગણેશ ગોડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં થઈ શકે છે.
કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ ?
આરોપીને ટ્રુથ ડ્રગનુ ઈંજેક્શન આપવામાં આવે છે. જેનાથી તે સાચુ બોલવા લાગે છે. ટ્રુથ ડ્રગનુ ઈન્જેક્શનના કારણે જે તે વ્યક્તિ લાંબા સમય દરમિયાન અર્ધબેભાન અવસ્થામાં જતી રહે છે અને અવસ્થામાં જ તેને સવાલ કરવામાં આવે છે. આ દરમિયન તે જે કંઈ બોલે તે સત્ય બોલે છે તેવુ કાયદા-નિષ્ણાંતોનું માનવુ છે.
Input Credit- Mohit Bhatt- Rajkot