માધવપુરનો માંડવો, આવે જાદવકૂળની જાન… પરણે રાણી રુક્ષમણી… વર વાંછિત શ્રીભગવાન- માધવરાયના લગ્નમાં ભાગ લેવા પહોંચ્યા કલાકારો- Photos
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પાવન સાનિધ્યમાં હાલ પૂર્વોત્તરથી પશ્ચિમનો અલૌકિક સંગમ જોવા મળી રહ્યો છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાંથી માધવપુરમાં આયોજિત થતા ભવ્ય મેળાની પ્રિઈવેન્ટ માટે 400 થી વધુ કલાકારો આવી પહોંચ્યા છે. આ અગાઉ તેમણે સોમનાથમાં ધ્વજાપૂજા કરી હતી.


આ વર્ષે તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન માધવપુરના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. માધવપુર ઘેડ ખાતે આયોજિત પાંચ દિવસના આ મેળામાં ભગવાન શ્રીકૃષ્મ અને રુક્મિણીજીના લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે.

વર્ષ 2018થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મેળાએ રાષ્ટ્રીય બહુમાન મેળવ્યું છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સંકલનથી અહીં સાંસ્કૃતિક ઉત્સવ યોજાય છે, જેમાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતી ભવ્ય સંસ્કૃતિ કૃતિઓ બંને પ્રદેશોના કલાકારો પ્રસ્તુત કરે છે

આ વર્ષે 2025ના આ મેળામાં મોટા પાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 એમ 1600 કલાકારો ભવ્ય પ્રસ્તુતિ કરશે.આ મેળામાં અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો પણ આ મેળામાં જોડાઈને પીએમ મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે.

આ દરમિયાન ચાર દિવસ સુધી માધવપુરમાં મેળો અને પાંચમા દિવસે દ્વારકામાં માતા રૂક્મિણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

આ મેળામાં ભાગ લેવા માટે માટે ભારતના ઈશાન ખૂણેથી માધવપુર પ્રિ-ઇવેન્ટ માટે પધારેલા 400 કલાકારોએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી. નટરાજ પ્રભુના ચરણોમાં કલા આરાધના રૂપી પુષ્પ અર્પણ કર્યું હતુ. સૌએ આજે સોમનાથ તીર્થ મા ઊત્સવ સમો આનંદ યાત્રીકોને પણ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર દિગ્વીજયસિહ જાડેજા પણ કલાકારો સાથે પૂજામાં જોડાયા હતા.

સોમનાથના આંગણે આ અવસરને લઈને અનેરો ઉલ્લાસ ફેલાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ સાથે પૂર્વ થી પશ્ચિમનો સંગમ સર્જાયો છે. સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે 400 કલાકારો દ્વારા રંગારંગ સંસ્કૃતિક પ્રસ્તૃતિ પણ રજૂ કરવામાં આવનાર છે.

માધવપુર મેળાનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એ સમયના રાજા ભીષ્માકની રાજ કુવારી રુક્ષ્મણીજીના લગ્ન તેમના ભાઈ રુકમૈયાની ઇચ્છાથી શિશુપાલ સાથે નક્કી થાય છે. રુક્ષ્મણીજીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છે અને તેઓ ભગવાન શ્રીકૃષ્ણને લગ્ન માટે પત્ર લખે છે. આ પત્ર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને પહોંચાડવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પૂર્વમાં જઇ રુકમૈયાને હરાવી રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા પરત ફરતી વખતે એ સમયના માધવ તીર્થ એટલે કે હાલના માધવપુરમાં લગ્ન વિધિ સંપન્ન કરે છે .

ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી, એ સ્થળ એટલે મધુવન એ ખૂબ જ રમણીય અને શાંતિ આપનારું છે. લગ્ન વિધિ માટેના ચોરી માયરાના સ્થાપત્યના અંશો માધવપુરે સાચવી રાખ્યા છે. કુદરતે માધવપુર અને આસપાસના વિસ્તારને ખોબલે ખોબલે સુંદરતા આપી છે. જે ભાવિકોને મોહી લે છે. ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે. Input Credit- Yogesh Joshi- Somnath
સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. સોમનાથ મંદિરને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

































































