એક સમયે પૂર્વ અમદાવાદમાં સમસ્યા ગણાતી ખારીકટ કેનાલની થઈ રહી છે કાયાપલટ, જુઓ ફોટા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે રાહત અને આનંદના સમાચાર છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી 2026-2027ના વર્ષમાં તે સંપૂર્ણ થવાની ધારણા છે.


અમદાવાદમાં બ્રિટિશ કાળમાં 1881ના વર્ષમાં ખારીકટ કેનાલ બનાવવામાં આવી હતી. જેને પૂર્વ અમદાવાદમાં ખારીક કેનાલે વહેરો કે વોકળા તરીકે ઓળખવામાં આવતી હતી. અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરુ થઈને ચંડોળા તળાવ સુધી પસાર થતી ખારીકટ કેનાલ, એક સમયે અનેક સમસ્યાઓને લઈને પૂર્વ અમદાવાદના લોકો માટે માથાનો દુખાવો બની હતી. ખારીકટ કેનાલ જળ-પ્રદૂષણ અને ગંદકીના થર જોવા મળતા હતા.

આ સમસ્યાના ઉકેલરૂપે ગુજરાત સરકારે રૂપિયા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવનિર્માણ કાર્ય આરંભ્યુ છે. કેનાલને છ લેનવાળા રસ્તામાં રૂપાતંરિત કરવામાં આવી રહી છે. જેના કારણે, પૂર્વ અમદાવાદમાં રાયપુરથી ચંડોળા તળાવ સુધીના વિસ્તારની પ્રજાજનોમાં રાહતની લાગણી છે.

સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીમાં 22 કિલોમીટરમાં પ્રિ-કાસ્ટ પેરાપેટ બોક્સ લગાવાશે. કેનાલ રૂટ ઉપર એકબીજા વિસ્તારને જોડતા નાના મોટા 40 બ્રિજને અપગ્રેડ કરાશે. આ ઉપરાંત નાગરિકોના આનંદ-પ્રમોદ માટે 40 સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ કરાશે.

અમદાવાદના સત્તાધીશોના મત અનુસાર, સાબરમતી રિવરફ્રંટ બાદ ખારીકટ કેનાલ, શહેરનો બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની રહેશે. ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં, પૂર્વ અમદાવાદમાં કેનાલના કિનારે કિનારે 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે.

કેનાલના કિનારે રસ્તા બનાવવાનું કામ હાલ 80 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ખારીકટ કેનાલના વિકાસની બીજા તબક્કા માટે રૂપિયા 1,003 કરોડને મંજૂરી આપી દીધી છે.

વર્ષ 2026-2027માં જ્યારે ખારીકટ કેનાલનુ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને, કારણે ટ્રાફિક સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવાની સાથે સાથે વધારાનું એક નવું નજરાણું મળશે.

































































