Cricket: ધોની સહિત વિકેટની પાછળ આ ત્રણ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સફળ રહ્યા
મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને હાલમાં જ ટીમ ઈન્ડીયાના મેન્ટોર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જે T20 વિશ્વકપ (T20 World Cup) માટે ટીમ ઈન્ડીયા માટે મહત્વની ભૂમિકા ભજવશે.
ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)નું એક અલગ જ મહત્વ રહ્યું છે, તેને ચાહવા વાળાઓની પણ મોટી સંખ્યા છે. ક્રિકેટની દુનિયામાં પગ મુકનાર ખેલાડી ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે થઈને બેતાબ રહેતો હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં પસંદ થવા બાદ ખેલાડીને એક અલગ નામ અને ફેઈમ મળતુ હોય છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આ દરમ્યાન ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપરની મહેનત પણ આકરી હોય છે.
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપરે વિકેટની પાછળ અને વિકેટની આગળ બંને રીતે સફળતા દર્શાવવી પડે છે. આમ બંને રીતે સફળ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટ સાથે ક્રિકેટના અન્ય ફોર્મેટમાં પણ સ્થાન મજબૂત કરવાની તક મળતી હોય છે. જેમ કે ઋષભ પંતનુ ટેસ્ટ પ્રદર્શન ભારતીય ટીમમાં તેના વર્તમાનમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મજબૂત સ્થાન બનાવી દીધુ છે.
ભારતીય ક્રિકેટમાં સફળ વિકેટકિપરોમાં વાત કરવામાં આવેતો મહેન્દ્રસિંહ ધોનીનું નામ સૌથી આગળ લેવામાં આવે છે. આ ઉપરાંત કિરણ મોરે અને સૈયદ કિરમાણી જેવા સફળ વિકેટકિપરો પણ ભારતીય ટીમમાં ખૂબ પ્રભાવ છોડ્યો છે. જે નવી પેઢીના ખેલાડીઓ માટે કિંમતી ઉદાહરણો છે.
કિરણ મોરે, વર્ષ 1984-93
ભારતીય ટેસ્ટ ટીમ વતી 1984થી 1993 સુધી કિરણ મોરેએ 49 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમ્યાન તેમને 130 જેટલા શિકાર ઝડપ્યા હતા. જેમાં તેમને 110 શિકાર કેચના રુપમાં ઝડપ્યા હતા. જ્યારે 20 સ્ટંમ્પિગ આઉટ કર્યા હતા. તેઓએ ટેસ્ટ કરિયર દરમ્યાન 1,285 રન પણ બનાવ્યા હતા.
સૈયદ કિરમાણી, વર્ષ 1971-82
તેમને ભારતીય ક્રિકેટના બીજા સફળ વિકેટકીપર માનવામાં આવે છે. તેઓએ 1971થી લઈને 1982 દરમ્યાન 88 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમ્યાન તેઓએ વિકેટની પાછળ રહીને 198 શિકાર ઝડપ્યા હતા. જેમાં 160 કેચ અને 38 સ્ટંમ્પિગ સામેલ છે. સૈયદ કિરમાણીને એક સ્ફોટક બેટ્સમેનના રુપમાં પણ માનવામાં આવતા હતા. તેઓ વિકેટની આગળ પણ એટલા જ જબરદસ્ત ખેલાડી હતા. તેઓના નામે 2 શતક નોંધાયેલા છે.
મહેન્દ્રસિંહ ધોની, વર્ષ 2005-14
ધોની આ નામ વિશ્વના તમામ ક્રિકેટ ચાહકના કાનમાં સતત ગૂંજતુ રહેતુ નામ છે. તે આકર્ષણનુ કેન્દ્ર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ તેના કરિયરની શરુઆત 2005થી શરુ કરી હતી. તેણે 2014માં જ ટેસ્ટ ક્રિકેટને અચાનક જ અલવિદા કહી દીધી હતી. આ દરમ્યાન તે 90 ટેસ્ટ મેચ રમી ચુક્યો હતો. ધોનીએ વિકેટ પાછળ 294 શિકાર ઝડપ્યા છે. જેમાં તેણે 256 કેચ અને 38 સ્ટંમ્પિંગ કર્યા છે. ધોની ટીમ ઈન્ડીયાનો મહત્વનો હિસ્સો રહ્યો છે. નિવૃત્તિ બાદ હવે તેને T20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડીયાના મેન્ટોર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.