પાકિસ્તાનને આવ્યુ ડહાપણ, વિદેશમાં જઈને શાહબાઝ શરીફે કહ્યુ, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડીને પાઠ શિખ્યાં, જુઓ Video
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે કહ્યું- અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. કાશ્મીરનો રાગ ફરી આલાપીને શાહબાઝે પીએમ મોદીને પોતાનો ખાસ સંદેશ પણ મોકલ્યો હતો.
હાલમાં ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન, અનાજ અને પૈસા મેળવવા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે તાજેતરમાં UAEની મુલાકાત લીધી હતી. અહીં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શાહબાઝે કહ્યું કે, પરમાણુ શક્તિ ધરાવતો દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માંગવી ખૂબ જ શરમજનક છે. શાહબાઝે ભારત વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું- અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. કાશ્મીરનો ફરીથી રાગ આલાપતા શાહબાઝે પીએમ મોદીને પોતાનો ખાસ સંદેશ પણ મોકલ્યો હતો.
અલ અરેબિયા ચેનલ સાથેની ખાસ મુલાકાતનો વીડિયો શહેબાઝ શરીફની પાર્ટી, પીએમએલ (નવાઝ) દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ચેનલ સાથેની વાતચીતમાં શહેબાઝ શરીફે કહ્યું કે, સાઉદી અરેબિયાની સાથેસાથે UAE પણ પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે. યુએઈમાં ઘણા મુસ્લિમો રહે છે અને પાકિસ્તાન દેશની પ્રગતિમાં તેઓ ભાગીદાર છે.
ભારત સાથે યુદ્ધ કરીને પાઠ શીખ્યા- શાહબાઝ
શાહબાઝ શરીફે કહ્યું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. તે આપણા પર નિર્ભર છે કે, આપણે આપણા સંસાધનો અને લોકોને યુદ્ધમાં બરબાદ કરવા છે કે શાંતિથી જીવીને અને એકબીજાને મદદ કરીને પોતાને મજબૂત બનાવવું છે.
કાશ્મીરનો રાગ આલાપીને પીએમ મોદીને આપ્યો સંદેશ
શાહબાઝે કાશ્મીરનો રાગ આલાપતા પીએમ મોદીને સંદેશ પણ આપ્યો હતો. શાહબાઝે કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મંચ પર આવવા અને અમારી સાથે વાતચીત કરવા આમંત્રણ આપવા માંગે છે જેથી કરીને કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય. કાશ્મીર મુદ્દે ફરી એકવાર દુષ્પ્રચાર ચલાવતા શાહબાઝે કહ્યું કે, કાશ્મીરમાં સ્થાનિક લોકોના જીવનને પાટા પર લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.
પરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનક
શાહબાઝે કહ્યું કે, UAE તરફથી આર્થિક મદદ મેળવીને તે ખૂબ જ ખુશ છે, પરંતુ એક પરમાણુ દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માગવામાં શરમ આવે છે.