Silver Rate : રોકાણકારોને ગજબનું રિટર્ન મળ્યું ! હવે કિલો દીઠ ₹2.22 લાખ તરફ દોડી શકે છે ‘ચાંદી’, બ્રોકરેજના એક ઇશારાથી બજારમાં હલચલ
બ્રોકરેજ હાઉસના એક સંકેત બાદ બજારમાં હલચલ શરૂ થઈ ગઈ છે. બ્રોકરેજના આ ઇશારાને કારણે રોકાણકારોમાં ઉત્સુકતા વધી છે અને કોમોડિટી બજારમાં ચાંદી ફરી ચર્ચાનો કેન્દ્ર બની છે.

છેલ્લા એક વર્ષમાં ચાંદીએ રોકાણકારોને ગજબનું રિટર્ન આપ્યું છે. આમ જોવા જઈએ તો સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ વર્ષ 2025 માં ચાંદીમાં વધારે ગ્રોથ જોવા મળી છે.

ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી પરંતુ તે ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે પણ એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે. આ જ કારણ છે કે, તેની કિંમતમાં વધારો ફક્ત અટકળો દ્વારા જ નહીં પરંતુ મજબૂત માંગ અને સપ્લાયને દ્વારા થાય છે.

યસ બેંક બ્રોકરેજ મુજબ, ચાંદીએ વર્ષ 2025 માં અત્યાર સુધીમાં આશરે 113% જેટલું રિટર્ન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી હાલમાં લગભગ $65 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહી છે. ભારતીય દ્રષ્ટિએ, એક ઔંસ ચાંદી આશરે 28 ગ્રામ થાય છે. આ મુજબ, ભારતમાં પ્રતિ ઔંસ $65 ની કિંમત લગભગ રૂ. 2.09 લાખ પ્રતિ કિલો થાય છે.

રિપોર્ટ મુજબ, ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત નથી રહી. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, ડેટા સેન્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિફેન્સ સેક્ટરમાં તેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. અમેરિકાએ ચાંદીને “ક્રિટિકલ મિનરલ”નો દરજ્જો આપ્યો છે, જેનાથી તેનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધ્યું છે. આ દરમિયાન, ચીનમાં ચાંદીનો સ્ટોક દાયકાઓના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે સપ્લાય પર દબાણ આવી રહ્યું છે.

યસ બેંકનું કહેવું છે કે, ઓક્ટોબરમાં શરૂ થયેલી સપ્લાયની અછત હજુ પણ યથાવત છે. આ જ કારણ છે કે, બજારમાં થોડી વધારાની માંગ પણ ભાવમાં તીવ્ર વધારો કરી રહી છે.

ટેકનિકલ વિશ્લેષણના આધારે રિપોર્ટ માને છે કે, જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $69 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. રૂપિયાની દ્રષ્ટિએ, આ લેવલ આશરે ₹2.22 લાખ પ્રતિ કિલો થાય છે.
આ પણ વાંચો: સોના-ચાંદી પર ભારે પડી “મસાલાઓની રાણી” ! 3 મહિનામાં 35% ભાવ વધારા સાથે હળદરની કિંમત આકાશને સ્પર્શવા લાગી
