સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના આ લેફ્ટ આર્મ બોલરની IPL-19 માટે થઈ પસંદગી, સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતો જોવા મળશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતને જુનાગઢના ક્રેન્સ ફુલેત્રાએ ગૌરવ અપાવ્યુ છે. ક્રેન્સની આ વખતની IPL-19 મા રમવા માટે પસંદગી કરાઈ છે. આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં જુનાગઢનો ક્રેન્સ ફુલેત્રા રમતો જોવા મળશે.
જુનાગઢના 21 વર્ષિય યુવક ક્રેન્સ ફુલેત્રાની મહેનત રંગ લાવી છે. મૂળ માળિયા હાટીના અને જુનાગઢ જિલ્લાના ક્રેન્સની IPLની સિઝન 19 માટે પસંદગી થઈ છે. તે સનરાઈઝ હૈદરાબાદની ટીમ દ્વારા પસંદગી પામ્યો છે. જેનાથી ગુજરાતના ક્રિકેટ રસીયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો તેના માદરે વતન જુનાગઢમાં પણખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ તકે જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ક્રેઈન્સ તેમજ તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યુ. આ સમયે ક્રેઈન્સના કોચ, અનેક રમતવીરો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ક્રેઈન્સ લેફ્ટી છે અને લેફ્ટ આર્મ બોલર તરીકે પસંદગી પામ્યો છે. તેણે જણાવ્યું કે તેની 6 સાત વર્ષોની મહેનત રંગ લાવી છે અને આગામી સમયમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવું એ તેનું સપનું છે. તેના કોચે જણાવ્યુ કે તેઓ આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી નથી શક્તા. ક્રિકેટને ક્રેન્સે પેશન બનાવ્યુ છે. તે 9 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમે છે.
IPL માં પસંદગી થતા ક્રેન્સ પણ ઘણો જ ખુશ છે અને જણાવે છે કે તેની ઈચ્છા ટીમ ઈન્ડિયા વતી રમવાની છે. તેને ટીમ ઈન્ડિયામાં પણ જલદી સ્થાન મળે તેના માટે તે મહેનત કરી રહ્યો છે. ત્યારે મૂળ માળિયાહાટીનાના વતની ક્રેન્સનો પરિવાર હાલ તો રાજકોટ સ્થાયી થયો છે.
ક્રેન્સની સફળતા પાછળ તેના માતા-પિતાનું મોટું યોગદાન રહ્યું છે તો બીજી તરફ જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસો.એ જણાવ્યું હતું કે આજે જિલ્લાના ખેલાડીઓ અનેક ફોર્મેટમાં રમી રહ્યા છે અને તે જુનાગઢ માટે ગૌરવની ક્ષણ છે.