SIRની કામગીરી બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદાર નોંધાયા, ડ્રાફ્ટ મતદારયાદીમાં 73.73 લાખ મતદારના નામ કમી કરાયા
ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ, ગુજરાત રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર, ગત તા. 27 ઓક્ટોબર 2025થી ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની કામગીરી સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી. મતદાર ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ, આજ રોજ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની પ્રસિદ્ધ કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 4 કરોડ 34 લાખ મતદારો નોંધાયા છે. જૂની મતદાર યાદીમાંથી 73 લાખ 73 હજાર જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે.
આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ નથી તેવા મતદારોએ આગામી 18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 33 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા 54,443 BLA તથા 30,833 જેટલા સ્વંય સેવકોની સક્રિય કામગીરી રહી છે.
ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ, ગુજરાત રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં અવસાન પામેલા મતદારોની સંખ્યા- 18,07,278 છે. ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા 9,69,662 જણાઈ છે. કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની સંખ્યા 40,25,553 છે. બે જગ્યાએ નોંધાયેલા મતદારોની સંખ્યા 3,81,470 છે. અન્યો 1,89,364 હતા.
સતત દોઢ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજ રોજ ડ્રાફ્ટ મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેના ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.
આગામી તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનારે ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદીમાં દાખલ કરાવવા માટે આપવું. આ મતદાર યાદી આગામી તા.17-2-2026ના રોજ પ્રસિધ્ધ થવાની છે, તેમાં પહેલી જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પુરા કરનારાનો સમાવેશ થઈ શકશે.