ઇન્કમ ટેક્સનો મેસેજ જોઈ ગભરાશો નહીં: જાણો કયા કિસ્સામાં નોટિસને અવગણી શકાય અને ક્યારે રિપ્લાય આપવો જરૂરી
ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળતાં જ ઘણા કરદાતાઓ ગભરાઈ ગયા છે. દંડ કે તપાસની ભીતિ વચ્ચે હવે વિભાગે જાતે સ્પષ્ટતા કરી છે. CBDTએ જણાવ્યું છે કે આવી ઇમેઇલ્સ અને SMS કોઈ કાર્યવાહી માટે નહીં, પરંતુ માત્ર ચેતવણીરૂપ સલાહ છે. તો આ નોટિસ કેમ આવે છે, શું કરવું જોઈએ અને ક્યારે અવગણવી સુરક્ષિત છે? જાણો સંપૂર્ણ વિગતો…

શનિવાર છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કરદાતાઓને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મળી રહેલી નોટિસો અને ઇમેઇલ્સને લઈને વિભાગે આજે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. સીબીડીટી (CBDT) એ સ્પષ્ટતા કરી છે કે કરદાતાઓને મોકલવામાં આવતા આ સંદેશાઓ કોઈ દંડ લાદવા કે તપાસ શરૂ કરવા માટે નથી, પરંતુ તે માત્ર એક ‘સલાહકારી’ (Advisory) સૂચના છે. વિભાગનો હેતુ કરદાતાઓને તેમના આર્થિક વ્યવહારો પ્રત્યે જાગૃત કરવાનો છે.
કેમ મળી રહી છે નોટિસ?
ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ કરદાતાના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અને તેના પાન કાર્ડ (PAN) સાથે જોડાયેલા હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન વચ્ચે તફાવત જોવા મળે છે, ત્યારે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મેસેજ મોકલવામાં આવે છે. બેંક, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રજિસ્ટ્રાર જેવી સંસ્થાઓ પાસેથી મળેલા ડેટા અને ITRમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા હોવાના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિભાગે શું આપી સલાહ?
વિભાગે જણાવ્યું છે કે આ નોટિસ ડેટા-આધારિત મોનિટરિંગનો એક ભાગ છે. કરદાતાઓને નીચે મુજબના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે:
- AIS તપાસો: કરદાતાઓએ તેમના ‘એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ’ (AIS) ની તપાસ કરવી જોઈએ.
- રિટર્ન સુધારો: જો આઇટીઆર ફાઇલ કરતી વખતે કોઈ મોટી આવક કે વ્યવહારની વિગતો છૂટી ગઈ હોય, તો તેને સુધારી શકાય છે.
નોટિસને અવગણી શકાય: જો કરદાતાને ખાતરી હોય કે તેમનું ફાઇલિંગ સંપૂર્ણપણે સાચું છે, તો તેઓ આ નોટિસને અવગણી શકે છે.
31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
આકારણી વર્ષ 2025-26 માટે સુધારેલું (Revised) અથવા મોડું (Belated) ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. જો કરદાતાના બેંક ડિપોઝિટ, રોકાણ કે દાન જેવા ઉચ્ચ-મૂલ્યના વ્યવહારો રિટર્નમાં દર્શાવવાના રહી ગયા હોય, તો દંડ કે ભવિષ્યની મુશ્કેલી ટાળવા માટે આ સમયમર્યાદામાં ભૂલ સુધારી લેવી હિતાવહ છે.
