Breaking News : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરમાં Income Tax ના દરોડા
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી રાજ કુંદ્રા સાથે સંકળાયેલા બાસ્ટિયન રેસ્ટોરન્ટના નાણાકીય વ્યવહારો અને કથિત ટેક્સ ગેરરીતિઓની તપાસ માટે થઈ છે.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આવકવેરા વિભાગે તેમના મુંબઈ નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી તેમના પતિ રાજ કુન્દ્રા સાથે સંકળાયેલા રેસ્ટોરન્ટ બાસ્ટિયન સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો અને કથિત Tax ગેરરીતિઓની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગની કાર્યવાહી માત્ર મુંબઈ સુધી સીમિત નથી. બેંગલુરુમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં બાસ્ટિયન રેસ્ટોરન્ટ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ ચાલી રહી છે. વિભાગને હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં કર ચુકવણી, આવક અને રોકાણ સંબંધિત અનિયમિતતાઓની શંકા છે.
સવારથી જ વિવિધ ટીમો તેમના નિવાસસ્થાને
ગુરુવારે સવારે આવકવેરા વિભાગની એક ટીમે મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારથી જ વિવિધ ટીમો તેમના નિવાસસ્થાન અને તેની સાથે સંકળાયેલી મિલકતોમાં દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ કાર્યવાહી બાસ્ટિયન રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે.
આ મામલે હાલ સુધી શિલ્પા શેટ્ટી અથવા તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.
બાસ્ટિયન ગાર્ડન સિટી રેસ્ટોરન્ટમાં શિલ્પા શેટ્ટીનો હિસ્સો
આ દરમિયાન, બુધવારે બેંગલુરુ પોલીસે બાસ્ટિયન સહિત બે રેસ્ટોરન્ટ સામે નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લા રાખવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. જણાવવામાં આવે છે કે શિલ્પા શેટ્ટી બાસ્ટિયન ગાર્ડન સિટી રેસ્ટોરન્ટમાં લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે. આ કેસ બાદ શિલ્પા શેટ્ટીએ ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બાસ્ટિયન ગાર્ડન સિટી સામે દાખલ થયેલા કેસ પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જારી કરીને તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને પ્રેરિત છે. તેમના જણાવ્યા અનુસાર, કાનૂની આધાર વિના મુદ્દાઓને ગુનાહિત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બાસ્ટિયન ગાર્ડન સિટીનું સંચાલન ઉદ્યોગપતિ રણજીત બિન્દ્રા દ્વારા સ્થાપિત બાસ્ટિયન હોસ્પિટાલિટી કરે છે. અહેવાલો મુજબ, શિલ્પા શેટ્ટીએ વર્ષ 2019માં આ સાહસમાં રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, આવકવેરા વિભાગે ચર્ચ સ્ટ્રીટ પર આવેલા બાસ્ટિયન પબ પર પણ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેની વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
બોલિવૂડ ડિરેક્ટરે મને મજબૂર કરી… ભારતીય ક્રિકેટરની બહેને કર્યો ચોંકાવનારો ખુલાસો
