AHMEDABAD : સોમલલિત કોલેજમાં SOPનું પાલન ન થતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ફેલાવાનો ભય
કોલેજ દ્વારા એક વર્ગખંડમાં 120 વિદ્યાર્થીઓને ખચોખચ બેસાડીને અભ્યાસ આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. એક વર્ગમાં 120 વિદ્યાર્થીઓ બેસાડવા એ રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન છે.
AHMEDABAD : અમદાવાદ શહેર સહીત રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા શાળાઓ અને કોલેજો શરૂ કરવાના નિર્ણય સાથે આ માટે SOP બનાવવામાં આવી હતી.જેનું પાલન કરીને વિવિધ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બોલાવીને ઓફલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. જો કે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત કોલેજના પ્રિન્સિપાલ રાજ્ય સરકારની SOPને ઘોળી ને પી ગયા છે જેને કારણે વિદ્યાર્થીઓ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે.
પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યાં વર્ગો કોરોનાના કેસ ઓછા થતા 50% વિદ્યાર્થીઓની કેપિસિટી સાથે શાળા કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી હતી જેથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ રોકી શકાય અને ઓફલાઇન શિક્ષણ આપી શકાય જો કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતનું વિચાર્યા વિના BBA અને MBA ના વર્ગોપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યા છે, જેને કારણે કોલેજના વિદ્યાર્થીઓ એક પછી એક બીમાર પડી રહ્યા છે.
એક વર્ગમાં 120 વિદ્યાર્થીઓને બેસાડ્યાની ચર્ચા કોરોનાકાળ પહેલા કોલેજમાં એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હતા અને હવે જ્યારે 50% કેપિસિટી સાથે કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે કોલેજ દ્વારા એક વર્ગખંડમાં 120 વિદ્યાર્થીઓને ખચોખચ બેસાડીને અભ્યાસ આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. એક વર્ગમાં 120 વિદ્યાર્થીઓ બેસાડવા એ રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન છે.
વિદ્યાર્થીઓ અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે કોરોનાની SOPના ઉલ્લંઘન અંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર કોલેજ મેનેજમેન્ટ તેમજ પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓની કોઈપણ રજૂઆત પર ધ્યાન આપવામાં આવ્યું નથી. હદ તો ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલને એક કલાસરૂમમાં 120 ને બદલે 60 વિદ્યાર્થીઓને બેસાડવા માટે કહ્યું ત્યારે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઉડાઉ જવાબ આપીને કહ્યું, “કોલેજ મારી છે, કોને ક્યાં બેસાડવાના છે એ મારે જોવાનું છે તમારું કામ ભણવાનું છે તમે ભણવાનું કરો.”
ક્લાસરૂમમાં હવાની અવરજવર નથી થતી કોલેજના કેટલાક કલાસરૂમની બારીઓ પણ સિલ કરી દેવામાં આવી છે જેને ખોલી શકાતી નથી જેને કારણે બપોરના સમયે કલાસરૂમમાં બફારો થતો હોય છે. આ અંગે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.
હાલ વાઇરલ ફીવરના કેસો શહેરમાં વધી રહ્યા છે ત્યારે કોલેજના કલાસરૂમમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ખચોખચ ભર્યા હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમારીનો શિકાર પણ બન્યા છે અને હજુ પણ વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે જેને કારણે સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતિત છે.
આ સાથે જ કોલેજના સ્ટાફ દ્વારા કેટલીક વાર રીસેસના સમયમાં વિદ્યાર્થીઓને કલાસરૂમમાં પુરી ને દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવે છે.
સોમલલિત કોલેજ સામે ક્યારે થશે કાર્યવાહી ? સોમલલિત કોલેજ દ્વારા રાજ્ય સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ છતાં સ્થાનિક તંત્ર કોલેજ સામે કોઈ પગલાં નથી લઈ રહ્યું. AMC દ્વારા સામાન્ય દુકાન કે શોરૂમમાં સામાન્ય ગ્રાહકોની ભીડ જામી હોય તો તરત જ દંડનીય કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ નવરંગપુરા વિસ્તારની સોમલલિત કોલેજમાં ખચોખચ વિદ્યાર્થીઓને ભરીને જ્યારે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ મદદ માંગી રહ્યા છે ત્યારે AMC દ્વારા સોમલલિત કોલેજના પ્રિન્સિપાલ સામે લાચાર હોય તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓની આટલી ફરિયાદો પછી પણ સ્થાનિક તંત્ર કે અમદાવાદ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા કોલેજના મેનેજમેન્ટ તેમજ પ્રિન્સિપાલ સાથે મિલીભગત હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : IGNOU Registration 2021: IGNOUએ રી-રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ સુધી વધારી, જુઓ ડિટેલ્સ