
અમેરિકાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. યુએસ સેનેટ દ્વારા બાયોસિક્યોર એક્ટ પસાર થયા પછી ફાર્મા શેરોમાં 5 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવાના અમેરિકાના પ્રયાસોથી ભારતીય ફાર્મા કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે, જેના કારણે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ મજબૂત થયો છે.
19 ડિસેમ્બરે અમેરિકન સેનેટે બાયોસિક્યોર એક્ટને મંજૂરી આપતા જ ભારતીય શેરબજારમાં ફાર્મા શેરોમાં તેજી જોવા મળી. આ કાયદો ચોક્કસ ચીની બાયોટેક કંપનીઓને યુએસ સરકાર તરફથી ભંડોળ મેળવવાથી રોકે છે. બજાર બંધ સમયે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 0.86 ટકા વધીને 22,751.25 પર પહોંચ્યો હતો, જ્યારે અનેક ફાર્મા શેરોમાં 5 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
બાયોસિક્યોર એક્ટને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (NDAA) 2026માં સામેલ કરવામાં આવ્યો છે. આ લગભગ 1 ટ્રિલિયન ડોલરનું સંરક્ષણ સંબંધિત બિલ છે, જે છેલ્લા 65 વર્ષથી અમેરિકી કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની મંજૂરી બાદ હવે આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે વ્હાઇટ હાઉસ મોકલવામાં આવશે, જેના બાદ તે કાયદો બની જશે.
આ કાયદાનો મુખ્ય હેતુ યુએસ બાયોટેક સપ્લાય ચેઇન પર ચીનના પ્રભાવને ઘટાડવાનો અને બાયોટેકનોલોજી સંબંધિત જાસૂસી સામે રક્ષણ આપવાનો છે. અગાઉ 2024માં રજૂ થયેલું આ બિલ પસાર થઈ શક્યું નહોતું, પરંતુ હવે સુધારેલા સ્વરૂપમાં તેને મંજૂરી મળી છે. અમેરિકાના આ પગલાથી ભારતને લાંબા ગાળે મોટો ફાયદો થવાની શક્યતા છે, જેની અસર ભારતીય ફાર્મા કંપનીઓના શેર પર પણ દેખાઈ રહી છે.
સિટીબેંકના જણાવ્યા અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે સંકેત આપ્યો છે કે કેટલીક મોટી ચીની CDMO કંપનીઓને અસર થઈ શકે છે. બ્રોકરેજ ફર્મ્સ માને છે કે આ સ્થિતિમાં ભારતીય CDMO કંપનીઓને ફાયદો થશે. ખાસ કરીને Divi’s Laboratories ને આ કાયદાથી સૌથી વધુ લાભ મળવાની શક્યતા હોવાનું મેક્વેરી જેવી વૈશ્વિક બ્રોકરેજ કંપનીએ જણાવ્યું છે.
પિરામલ ફાર્માની ચેરપર્સન નંદિની પિરામલે બાયોસિક્યોર એક્ટને ભારત માટે સકારાત્મક પગલું ગણાવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ કાયદો ગ્રાહકોને વિકલ્પિક સપ્લાય ચેઇન પર વિચાર કરવા મજબૂર કરી રહ્યો છે. ચીન સસ્તું અને ઝડપી વિકલ્પ હોવા છતાં હવે કંપનીઓ જોખમોને ધ્યાનમાં લઈ ઉત્પાદન ક્યાં અને ક્યારે કરવું તે અંગે ફરીથી વિચાર કરી રહી છે. તેમના અનુસાર, આ ભારત માટે એક સારી તક છે, પરંતુ તેના પરિણામો દેખાવા માટે સમય લાગશે.
આજના ટ્રેડિંગ સેશનમાં વોકહાર્ટના શેર 5 ટકા વધીને ₹1,446.70 પર પહોંચ્યા અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ટોચના લાભકર્તા બન્યા. લૌરસ લેબ્સના શેરમાં લગભગ 3 ટકા અને Divi’s Laboratoriesના શેરમાં લગભગ 2 ટકાનો વધારો થયો. અજંતા ફાર્મા અને બાયોકોનના શેર 1 ટકા કરતાં વધુ વધ્યા હતા.
તે ઉપરાંત પિરામલ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા અને ગ્લેન્ડ ફાર્માના શેરમાં પણ લગભગ 1 ટકાનો વધારો નોંધાયો. મેનકાઇન્ડ ફાર્મા, લ્યુપિન, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, ઝાયડસ લાઇફસાયન્સિસ, એબોટ ઇન્ડિયા, સન ફાર્મા, IPCA લેબ્સ અને ડૉ. રેડ્ડીઝના શેર હળવા વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા.
બજારના સકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે JB કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, અલ્કેમ લેબોરેટરીઝ અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના શેર થોડા નુકસાન સાથે લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.
IPO પહેલાં અદાણી ગ્રુપનો મેગા પ્લાન, આ સેક્ટરમાં કરશે મોટું રોકાણ, જાણવા માટે અહીં ક્લિક કરો..