T20 વર્લ્ડ કપ
T20 વર્લ્ડકપ 1 જૂન થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વખતે T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.
ICCએ T20 વર્લ્ડકપની શરુઆત 2007માં કરી હતી. જેનું આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતુ. પહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતે જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
T20 વર્લ્ડકપનું આયોજન આમ તો દર 2 વર્ષે કરવામાં આવે છે. 2016માં ભારતમાં સફળ આયોજન બાદ આઈસીસીએ 2018માં સાઉથ આફ્રિકામાં કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચેમ્પિયન ટ્રોફીને લઈ ICCએ આ આયોજનનો પ્લાન ડ્રોપ કરવો પડ્યો હતો. 2020માં કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપનું આયોજન થઈ શક્યું ન હતુ. લાંબા સમયગાળા બાદ 2021માં ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવ્યું હતુ.
T20 વર્લ્ડ કપ ટ્રોફીનું નિર્માણ લિન્ક ઓફ લંડન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું વજન અંદાજે 7.5 કિલોગ્રામ છે. આ ટ્રોફી 20 ઇંચ લાંબી અને 7.5 ઇંચ પહોળી હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવે છે.