વડોદરામાં તૈયાર થઈ રાજ્યની પ્રથમ ‘ગ્રીન બિલ્ડિંગ’ સરકારી શાળા: વૃક્ષો કાપ્યા વગર જ કરાયું અદભૂત નિર્માણ

| Edited By: | Updated on: Feb 09, 2026 | 8:56 PM

વડોદરામાં ગુજરાતની પ્રથમ ઈકો-ફ્રેન્ડલી 'ગ્રીન બિલ્ડિંગ' સરકારી શાળા તૈયાર થઈ ગઈ છે. વૃક્ષોનું જતન અને કુદરતી પ્રકાશની થીમ પર બનેલી આ શાળામાં 1500 વિદ્યાર્થીઓ ડિજિટલ સુવિધાઓ સાથે અભ્યાસ કરશે. પીપીપી મોડલ પર બનેલી આ શાળા શિક્ષણ અને પર્યાવરણ જાળવણીનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે.

વડોદરાના શૈક્ષણિક ઈતિહાસમાં આજે એક નવું સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. વડોદરામાં રાજ્યની સૌપ્રથમ ‘ગ્રીન બિલ્ડિંગ’ સરકારી શાળા બનીને તૈયાર થઈ ચૂકી છે, જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજ્જ છે. આ અદ્યતન શાળાનું નિર્માણ પીપીપી (PPP) મોડલ પર એક એનજીઓ (NGO) સાથે મળીને વિશેષ પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જે ગુજરાત માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

આ શાળાની સૌથી મોટી અને પ્રેરણાદાયક વિશેષતા એ છે કે, જે જગ્યા પર આ બિલ્ડિંગ તૈયાર કરાઈ છે ત્યાં વર્ષો જૂના અનેક વૃક્ષો આવેલા હતા. પર્યાવરણના જતનને પ્રાથમિકતા આપીને, વહીવટી તંત્રે એક પણ વૃક્ષને કાપ્યા વગર જ આ સમગ્ર ગ્રીન બિલ્ડિંગનું માળખું ઊભું કર્યું છે. બાંધકામની આ વિશેષ પદ્ધતિને કારણે આ શાળા પર્યાવરણ પ્રેમીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

શાળાના ક્લાસરૂમ્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે દિવસ દરમિયાન દરેક રૂમમાં કુદરતી પ્રકાશ (Natural Light) રહે, જેથી વીજળીનો વપરાશ ઓછો થાય. શૈક્ષણિક સુવિધાઓની વાત કરીએ તો, અહીં વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેક્નોલોજી રૂમ અને અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક સત્રથી આ શાળામાં 1500થી વધુ બાળકો અભ્યાસ કરશે, જેમને સરકારી ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું વાતાવરણ અને સુવિધાઓ પ્રાપ્ત થશે.

Input Credit: Anjali Oza

સ્લો ઇન્ટરનેટથી પરેશાન? પહેલા Mbps અને MBps વચ્ચેનું ગણિત સમજો, વાંચવા માટે અહીં ક્લિક કરો