રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં જ ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યનાં નવ શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે, જેના કારણે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ, અમદાવાદમાં પણ તાપમાન 38.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં ગરમીનો અનુભવ યથાવત્ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં તાપમાનનો પારો ઊંચો રહેતાં ઠંડીની રાહ જોઈ રહેલા લોકોની આશા પર હાલ પાણી ફરી વળ્યું છે. હવામાનમાં આ ફેરફાર પાછળ ચોમાસાની આડઅસર તેમજ ઉત્તર ભારતમાં પવનોના આગમનમાં થઈ રહેલો વિલંબ મુખ્ય કારણો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થવાની શક્યતા છે અને હાલ ગરમીનો અનુભવ ચાલુ રહી શકે છે. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા અને તાપી જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે રાજ્યના અન્ય ભાગોમાં ગરમીની સ્થિતિ પર સૌની નજર રહેશે.