Trending: રીલ્સ બનાવીને કમાઓ ₹ 95 લાખ ! રિચાર્ડ બ્રેન્સનના વર્જિન ગ્રૂપે જાહેર કરી ‘હેડ ઓફ યસ’ જોબ, જાણો કેવી રીતે કરશો અરજી
જો તમને રીલ્સ અને વીડિયો બનાવવાનો શોખ હોય તો દુનિયાભરમાં ફરવાની સાથે લાખો રૂપિયા કમાવવાની અનોખી તક સામે આવી છે. જાણીતા ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગ્રૂપે 'હેડ ઓફ યસ' પદ માટે રિક્રૂટમેન્ટ શરૂ કર્યું છે, જેમાં પસંદગી પામનાર ઉમેદવારને મુસાફરી કરવા અને વીડિયો બનાવવા માટે અંદાજે ₹95 લાખ ચૂકવવામાં આવશે.

જો તમે આખો દિવસ મોબાઇલમાં રીલ્સ જોવામાં કે વીડિયો બનાવવામાં સમય પસાર કરતા હોવ અને પરિવારજનો સતત ફોન સાથે ચોંટેલા રહેવા બાબતે ટોકતા હોય, તો હવે એ જ શોખથી લાખો રૂપિયા કમાવવાની એક અનોખી તક આવી ગઈ છે. વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સનની કંપની ‘વર્જિન ગ્રૂપ’ (Virgin Group) દ્વારા ‘હેડ ઓફ યસ’ (Head of Yes) નામના એક અનોખા રોલ માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે.
આ જોબ માટે પસંદ થનાર વ્યક્તિએ વિશ્વભરના વિવિધ સ્થળોએ પ્રવાસ કરવાનો રહેશે, રોમાંચક પ્રવૃત્તિઓ અને અનન્ય અનુભવો માણવાના રહેશે તેમજ તેના વીડિયો શૂટ કરીને લોકો સુધી પહોંચાડવાના રહેશે. આ કામગીરી માટે અમેરિકાના ઉમેદવારોને 1 લાખ ડૉલર અને બ્રિટનના ઉમેદવારોને 75 હજાર પાઉન્ડ ચૂકવવામાં આવશે, જે ભારતીય ચલણ મુજબ અંદાજે ₹95 લાખ જેટલી રકમ થાય છે.
શું છે ‘હેડ ઓફ યસ’ પોસ્ટ અને કામગીરી?
આ તક વર્જિન ગ્રૂપના ‘વર્જિન રેડ’ પ્રોગ્રામ સાથે જોડાયેલી છે. પસંદ કરાયેલા ઉમેદવારે દુનિયાભરમાં ભ્રમણ કરીને યાદગાર પળોને શોર્ટ વીડિયો, તસવીરો અને રસપ્રદ સ્ટોરીઝ મારફતે સોશિયલ મીડિયા પર રજૂ કરવાની રહેશે. આ કામગીરી માત્ર ફોટો કે વીડિયો ક્લિક કરવા પૂરતી સીમિત નથી, પરંતુ પોતાના મુસાફરીના અનુભવોને રસપ્રદ વાર્તા કે કન્ટેન્ટના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવાની કળા હોવી પણ જરૂરી છે.
આ છ મહિનાનો વિશિષ્ટ કાર્યક્રમ જાન્યુઆરી 2027 થી શરૂ થશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જોબ માટે ઉમેદવાર પાસે લાખો સોશિયલ મીડિયા ફોલોઅર્સ હોવા જરૂરી નથી; બસ માત્ર ઉત્તમ સ્ટોરીટેલિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને વીડિયો બનાવવાની આવડત હોવી પૂરતી છે.
કેવી રીતે કરવી અરજી?
અરજી કરવા માટે ઉમેદવારે પોતાના જીવનના કોઈપણ વાસ્તવિક અને પડકારજનક અનુભવ પર આધારિત એક શોર્ટ વીડિયો બનાવવાનો રહેશે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક પર અપલોડ કરતી વખતે #Headofyears (અથવા #HeadOfYes) હેશટેગનો ઉપયોગ કરવાનો રહેશે અને સાથે @Virgin એકાઉન્ટને ટેગ કરવાનું રહેશે. આ અનોખી જોબ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીની છે.
