Suryaa Controversy: સની દેઓલની ‘સૂર્યા’ પર પ્રતિબંધ મુકાશે? ટીઝર આવતા જ વિવાદમાં ફિલ્મ, IMAએ અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરી આ 3 મોટી માંગ
સની દેઓલની ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'નું ટીઝર રિલીઝ થતાં જ વિવાદ સર્જાયો છે. તબીબી જગતની ખોટી છબી અને હિંસા દર્શાવવા બદલ IMAએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મની સમીક્ષા કરવા અથવા તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

સની દેઓલની બહુપ્રતિક્ષિત હિન્દી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’નું ટીઝર સામે આવતાની સાથે જ તે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ફિલ્મમાં મેડિકલ સિસ્ટમ, કથિત ભ્રષ્ટાચાર અને ડૉક્ટર્સ વિરુદ્ધ દર્શાવવામાં આવેલા દ્રશ્યોને લઈને દેશમાં તબીબોની સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કડક વલણ અપનાવ્યું છે. IMA ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનિલકુમાર જે. નાયકની સહી સાથે 22 ઓક્ટોબર 2026 ના રોજ પ્રસ્તુત કરાયેલા એક પત્રમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મનો તાત્કાલિક રિવ્યૂ કરીને યોગ્ય સુધારા કરવા અથવા જરૂર જણાય તો પ્રતિબંધ મૂકવા સુધીનો આગ્રહ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં સની દેઓલ એક પોલીસ અધિકારી અને દુઃખી પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોતાની પુત્રીના મૃત્યુના સંજોગોની તપાસ કરે છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે તેમનું પાત્ર મેડિકલ પ્રેક્ટિસ પર સવાલો ઉઠાવે છે અને આરોગ્ય ક્ષેત્રમાં ફેલાયેલા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે. આ ફિલ્મ 20 નવેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે, ટીઝરના આ દ્રશ્યો પર તબીબોની સંસ્થાએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
Copy of letter dated October 22, 2026 written to @AshwiniVaishnaw , Hon’ble Minister for Information & Broadcasting, Ministry of Information and Broadcasting Government of India. https://t.co/iSkpUe4tce
— Indian Medical Association (@IMAIndiaOrg) October 22, 2026
IMA ના 4 મુખ્ય અને ગંભીર વાંધા
કેન્દ્રીય મંત્રીને મોકલેલા પત્રમાં IMA એ પોતાની ચિંતાઓ વિગતવાર રજૂ કરી છે:
- મેડિકલ પ્રોફેશનની બદનામી: IMA નું કહેવું છે કે ફિલ્મમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે જાણે સમગ્ર મેડિકલ જગત ભ્રષ્ટ અને અનૈતિક હોય. જો અમુક વ્યક્તિઓ ખોટું કરે તો તેમની તપાસ અને સજા થવી જોઈએ, પરંતુ અમુક લોકોની ભૂલોના કારણે લાખો પ્રમાણિક ડૉક્ટરોની શાખને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી.
- હેલ્થકેર વર્કર્સ પર હિંસા દર્શાવતા દ્રશ્યો: ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓ પર થતા શારીરિક હુમલાઓને જ્યારે હીરોઇઝમ અથવા યોગ્ય ઠેરવીને દર્શાવવામાં આવે છે, ત્યારે તેનાથી સમાજમાં ડૉક્ટરો વિરુદ્ધ હિંસાને સામાન્ય ગણવાનું જોખમ ઊભું થાય છે.
- ડૉક્ટરોની સુરક્ષા પર જોખમ: દેશભરની હોસ્પિટલોમાં ડૉક્ટરો પહેલેથી જ પોતાની સુરક્ષાને લઈને ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હિંસાને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ તેમના પર થતા હુમલાઓમાં વધારો કરી શકે છે.
- ડૉક્ટર-દર્દીના સંબંધોમાં વિશ્વાસનો અભાવ: આવા ચિત્રણથી દર્દીઓ અને ડૉક્ટરો વચ્ચે બિનજરૂરી અવિશ્વાસ અને દુશ્મનાવટ ઊભી થશે, જે યોગ્ય સારવાર અને આરોગ્ય વ્યવસ્થા માટે અત્યંત હાનિકારક છે.
IMA એ કરી આ 3 મોટી માંગ
IMA એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભ્રષ્ટ વ્યક્તિનો બચાવ કરી રહ્યા નથી, પરંતુ તેમનો હેતુ મેડિકલ પ્રોફેશનની ગરિમા અને ડૉક્ટરોની સુરક્ષાનું રક્ષણ કરવાનો છે. સંસ્થાએ સરકાર સમક્ષ નીચે મુજબના પગલાં ભરવાની માંગ કરી છે:
- સૌથી પહેલાં ફિલ્મના કન્ટેન્ટ અને મેડિકલ પ્રોફેશનના ચિત્રણનો નિષ્પક્ષ રિવ્યૂ કરવામાં આવે.
- ફિલ્મ મેકર્સને નિર્દેશ આપવામાં આવે કે તેઓ મેડિકલ જગત પર લાદવામાં આવેલા સામાન્યીકરણ અને હિંસક દ્રશ્યોમાં યોગ્ય ફેરફાર કરે.
- કાયદા હેઠળ જો યોગ્ય જણાય, તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અથવા અન્ય કડક પગલાં લેવા પર વિચાર કરવામાં આવે.
આ પત્રની નકલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવો તેમજ નેશનલ મેડિકલ કમિશનના ચેરમેનને પણ મોકલવામાં આવી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સેન્સર બોર્ડ (CBFC), માહિતી અને પ્રસારણ મંત્રાલય કે ફિલ્મના નિર્માતાઓ આ પત્ર પર કેવું વલણ અપનાવે છે અને શું 20 નવેમ્બરની નિર્ધારિત રિલીઝ પહેલાં ફિલ્મમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે નહીં.
