GTUની પરીક્ષામાં સામૂહિક ચોરી… રાજ્યની 4 એન્જિનિયરિંગ કોલેજો ઝડપાઈ, લાખોનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ- જુઓ Video
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકોટ, સુરત, મહેસાણા અને જૂનાગઢની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં મોટાપાયે સામૂહિક ચોરી (માસ કોપી) ઝડપાઈ છે. GTUએ ગેરરીતિ સામે આવતા કડક કાર્યવાહી કરી છે, જેમાં કોલેજો પર દંડ ફટકારવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પણ રદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક ચોરી (માસ કોપી) પકડાઈ છે. GTUએ હાથ ધરેલી તપાસમાં આ ગેરરીતિ ખુલ્લી પડતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કઈ છે 4 એન્જિનિયરિંગ કોલેજ?
આ મામલામાં રાજકોટની અર્પિત કોલેજ, સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણાના કડીની વી.કે. પટેલ કોલેજ અને જૂનાગઢના ગડુની દધિચી કોલેજનું નામ સામે આવ્યું છે.
રાજકોટની અર્પિત કોલેજમાં પ્રથમ દિવસે 19 અને બીજા દિવસે 23 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા, જ્યારે સુરતની માંડવી ઇન્સ્ટિટ્યૂટમાં 41 વિદ્યાર્થીઓ માસ કોપી કરતા પકડાયા હતા. કડીની વી.કે. પટેલ અને ગડુની દધિચી કોલેજના 13-13 ડિપ્લોમા વિદ્યાર્થીઓ પણ આ કેસમાં સંડોવાયેલા હતા.
રૂ. 1 લાખનો દંડ અને કેન્દ્ર રદ
GTU દ્વારા અર્પિત કોલેજ અને માંડવી ઇન્સ્ટિટ્યૂટ પર રૂ. 2 લાખનો દંડ અને બે વર્ષ માટે પરીક્ષા કેન્દ્ર રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય વી.કે. પટેલ અને દધિચી કોલેજ પર રૂ. 1 લાખનો દંડ અને એક વર્ષ માટે કેન્દ્ર રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં સરખું લખાણ મળ્યા બાદ CCTV ફૂટેજ તપાસતા એકબીજાને સાહિત્ય આપતા અને મોબાઈલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા હતા. આ ઘટના શૈક્ષણિક માળખામાં ગંભીર ચિંતા ઊભી કરે છે.

