Breaking News : ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર, જુઓ Video
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ, આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ શાળામાં પ્રવેશી શકશે નહીં.
ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં હવે બિનઅધિકૃત પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અને અન્ય પ્રવૃત્તિઓ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવાનો છે.
નવા નિયમો અનુસાર, શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ પણ બહારની વ્યક્તિ શાળા પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે પણ આચાર્યની મંજૂરી ફરજિયાત રહેશે.
મંજૂરી વિના આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે પોક્સો એક્ટ સહિતના લાગુ પડતા કાયદાઓ હેઠળ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પરિપત્ર એવા સમયે આવ્યો છે જ્યારે શાળાઓમાં વિપક્ષી નેતાઓ દ્વારા અચાનક મુલાકાતો અને ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી, જેના પગલે આ નિર્ણય અંગે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા આ નિયમો વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાના શૈક્ષણિક વાતાવરણની જાળવણી માટે હોવાનું જણાવાયું છે.
નવસારીમાં રાસ લોક ગરબા મહોત્સવમાં વિધર્મી યુવક ઘૂસ્યો
