IND vs ENG : રવીન્દ્ર જાડેજાની ઐતિહાસિક સદી બાદ પત્ની રીવાબા જાડેજાએ કરી ખાસ પોસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે સદી ફટકારી હતી અને મેચ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જાડેજાની ઈનિંગ પછી, તેમની પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને રવીન્દ્ર જાડેજાની ખૂબ પ્રશંસા કરી હતી. જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. પોતાની શાનદાર બેટિંગથી જાડેજાએ ફરી એકવાર સાબિત કર્યું કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ માટે કેટલો મહત્વપૂર્ણ ખેલાડી છે. આ શાનદાર પ્રદર્શન પછી, તેની પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને તેના વખાણ કરતા ઈમોશનલ કેપ્શન લખ્યું, જેમાં તેમણે પતિની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી.
માન્ચેસ્ટર ટેસ્ટમાં જાડેજાની સદી
ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે રવીન્દ્ર જાડેજાએ શાનદાર ઈનિંગ રમી. જેના કારણે ટીમ ઈન્ડિયા મેચ ડ્રો કરવામાં સફળ રહી . તેણે 185 બોલનો સામનો કર્યો અને અણનમ 107 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, જ્યારે જાડેજાએ સદી ફટકારી, ત્યારે તેના થોડા સમય પહેલા જ તેનો બેન સ્ટોક્સ સાથે ઝઘડો થયો. ત્યારબાદ જાડેજાએ સદી પૂર્ણ કર્યા પછી એક ખાસ ઉજવણી કરી.
View this post on Instagram
પત્ની રીવાબાની પોસ્ટ વાયરલ
જાડેજાની ઐતિહાસિક સદી પર, તેમની પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને રવીન્દ્ર જાડેજાની પ્રશંસા કરી, જેમાં તેમણે તલવારબાજીનો ઉલ્લેખ કર્યો. રીવાબા જાડેજાએ લખ્યું, ‘ તલવાર નહીં, પણ એક શુદ્ધ યોદ્ધાની ભાવના! મારા પતિ રવીન્દ્ર સિંહ જાડેજાની આ સદી તેમના ધીરજ અને દૃઢ નિશ્ચયનું પ્રતિક હતી, જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. એક યાદગાર ઈનિંગ, યાદ રાખવા જેવી ક્ષણ, ટીમ ઈન્ડિયાની ભાવનાએ તેને વધુ ખાસ બનાવી દીધી!’ તેમની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ટેસ્ટ શ્રેણીમાં જાડેજાની જોરદાર બેટિંગ
રવીન્દ્ર જાડેજાએ આ શ્રેણીમાં અત્યાર સુધી બેટથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચની 7 ઈનિંગ્સમાં 113.50ની સરેરાશથી 454 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો: મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચનાર દિવ્યા દેશમુખ કોણ છે?
