
યમનના હુતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધ્યો છે. શનિવારે, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે તેણે હુતીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઇલો મક્કા અને મદીના પ્રદેશોને લક્ષ્ય બનાવીને છોડવામાં આવી હતી. જોકે, હુતીઓએ આ બે પવિત્ર શહેરો પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો, સાઉદીના આરોપોને હુતીઓએ “મોટા જૂઠાણા” તરીકે ગણાવીને ફગાવી દીધા હતા.
સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, હવામાં જ તોડી પડાયેલ મિસાઇલોનો કાટમાળ જેદ્દાહ, તૈફ અને રબીઘ સહિત અનેક સ્થળોએ પડ્યો હતો. મક્કાની બહાર વાદી મુઘમ્માસમાં પણ તોડી પડાયેલ મિસાઈલના ટુકડાઓ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મક્કા અને મદીના વિસ્તારોમાં કાટમાળ પડવાની ઘટનાઓ માટે ટીમો તહેનાત કરવામાં આવી હતી.
હુતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ દાવો કર્યો હતો કે તેમના જૂથે શનિવારે સાઉદી અરેબિયાની તેલ સુવિધાઓ અને એરપોર્ટ પર હુમલા કર્યા હતા. આમાં યાનબુમાં સાઉદી અરામકો સાઇટ, રબીઘમાં તેલ રિફાઇનરી અને રિયાધમાં કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ થાય છે.
હુતીઓએ દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નજરાનમાં એક એરપોર્ટ અને ખામિસ મુશૈતમાં એક એરબેઝને નિશાન બનાવવાનો પણ દાવો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન અને પૂર્વ-પશ્ચિમ તેલ પાઇપલાઇન તેમના લક્ષ્યોમાં હતા. સાઉદી અધિકારીઓએ તાત્કાલિક આ હુમલાઓની પુષ્ટિ કરી નથી. તે સ્પષ્ટ નથી કે કોઈ પણ મિસાઇલ તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચી છે કે તે બધા રસ્તામાં તોડી પાડાવમાં આવી છે.
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હુતીઓએ દક્ષિણ બંદર શહેર એડનમાં કોસ્ટ ગાર્ડ પોઝિશન પર ત્રણ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. બે મિસાઇલો કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર પર ત્રાટકી હતી, જ્યારે ત્રીજી તવાહી જિલ્લામાં એક ઇમારત પર પડી હતી. હુતીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે સાઉદી સમર્થિત દળોના એક સમારંભ અને એડનમાં એક નૌકાદળના મથકને નિશાન બનાવ્યું હતું.
સાઉદી સિવિલ ડિફેન્સે મક્કા પ્રાંતમાં જેમાં જેદ્દાહ, તાઈફ અને યાનબુનો સમાવેશ થાય છે, હવાઈ હુમલાના ખતરા અંગે ચેતવણી જાહેર કરી હતી. લગભગ 10 મિનિટ બાદ, આ ખતરો ટળી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવા, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને આવી ઘટનાઓના વીડિયો ન ઉતારવા માટે સલાહ આપવામાં આવી હતી. કટોકટીના સમયે 911 નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું.
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 7 નવેમ્બર, 2026 સુધી રિયાધ અને દમ્મામ જતી ફ્લાઈટ્સ, તથા 31 ઓક્ટોબર સુધી જેદ્દાહ જતી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ઈન્ડિગો (IndiGo) અને આકાસા એર (Akasa Air) એ પણ સાઉદી અરેબિયાના વિવિધ શહેરો માટેની તેમની ફ્લાઈટ્સ રદ કરી છે.