Trending Video : ટળ્યો મોટો અકસ્માત! લેન્ડિંગ વખતે રનવે સાથે બે વખત અથડાઈ વિમાનની પૂંછડી, ચોંકાવનારો વીડિયો વાયરલ
લંડનના હીથ્રો એરપોર્ટ પર બ્રિટિશ એરવેઝના એક વિમાન સાથે લેન્ડિંગ દરમિયાન ગંભીર ઘટના બની હતી. જોકે, પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

લંડનના હીથ્રો એરપોર્ટ પર બ્રિટિશ એરવેઝના એક વિમાન સાથે લેન્ડિંગ દરમિયાન ગંભીર ઘટના બની હતી. જોકે, પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. ભારે પવનના કારણે વિમાન લેન્ડિંગ વખતે હવામાં સંતુલન ગુમાવીને એક તરફ નમી ગયું હતું. આ દરમિયાન વિમાનની પાછળનો ભાગ એટલે કે પૂંછડી રનવે સાથે બે વખત અથડાઈ હતી. ઉડ્ડયનની ભાષામાં આ ઘટનાને ડબલ ટેલ સ્ટ્રાઇક કહેવામાં આવે છે.
વિમાનમાં બેઠેલા મુસાફરોમાં આ ઘટનાને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પાયલટે તરત જ લેન્ડિંગ અટકાવી વિમાનને ફરી હવામાં ઉડાડ્યું હતું. ત્યારબાદ બીજી વખત પ્રયાસ કરીને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુસાફરીને લઈને લોકોમાં ચિંતા
છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાન અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેના કારણે હવાઈ મુસાફરીને લઈને લોકોમાં ચિંતા પણ વધી છે. ત્યારે ગુરુવારના દિવસે એટલે કે 12 નવેમ્બરે, લંડનના હીથ્રો એરપોર્ટ પર બનેલી આ ઘટનાએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
શું હતી સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા X પર @BigJetTVLIVE દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, BA431 નંબર ધરાવતું બ્રિટિશ એરવેઝનું વિમાન નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાન Airbus A321neo મોડલનું હતું અને તેમાં આશરે 200 મુસાફરો સવાર હતા. ગુરુવારે સવારે લગભગ 10:30 વાગ્યે વિમાન લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ-5 પર ઉતરવાનું હતું. જોકે, લેન્ડિંગની અંતિમ ક્ષણોમાં જોરદાર પવનના કારણે વિમાનનું સંતુલન ખોરવાયું હતું. વિમાન અચાનક એક તરફ નમી ગયું હતું. તેનો ડાબી બાજુનો ભાગ રનવેની નજીક પહોંચ્યો હતો અને ત્યારબાદ વિમાનનો પાછળનો ભાગ એટલે કે પૂંછડી રનવે સાથે બે વખત અથડાયો હતો. આ પ્રકારની ઘટનાને ડબલ ટેલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર દૃશ્ય જોઈને એરપોર્ટ પર હાજર લોકો પણ ચોંકી ઊઠ્યા હતા.
પાયલટની સતર્કતાએ ટાળ્યો મોટો અકસ્માત
વિમાનનું સંતુલન બગડતું જોઈને પાયલટે જોખમ લેવાને બદલે તરત જ લેન્ડિંગની પ્રક્રિયા અટકાવી દીધી હતી. તેમણે વિમાનને ફરી હવામાં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. વિમાનન ક્ષેત્રમાં આ પ્રક્રિયાને ગો અરાઉન્ડ (Go Around) કહેવામાં આવે છે. જ્યારે પાયલટને લેન્ડિંગ માટેની પરિસ્થિતિ યોગ્ય ન લાગે ત્યારે તેઓ વિમાનને ફરી હવામાં લઈ જઈ બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરે છે. આ ઘટના બાદ વિમાને ફરી એક ચક્કર લગાવ્યું હતું અને સવારે લગભગ 10:49 વાગ્યે હીથ્રો એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું. સૌથી રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું હતું.
પાયલટની સતર્કતાની ચર્ચા
વીડિયોમાં વિમાન લેન્ડિંગ વખતે હવામાં ડોલતું જોવા મળે છે. આ દરમિયાન તેની પૂંછડી રનવે સાથે અથડાતી હોવાનો દૃશ્ય પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પાયલટની સતર્કતાની ચર્ચા કરી રહ્યા છે.
બ્રિટિશ એરવેઝે શું કહ્યું?
આ ઘટના અંગે બ્રિટિશ એરવેઝે પણ નિવેદન આપ્યું હતું. એરલાઇનના જણાવ્યા અનુસાર, વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને સમગ્ર મામલે એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB)ની તપાસમાં સહકાર આપવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ વિમાનની આગામી બે દિવસની ઉડાન અટકાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, લેન્ડિંગ સમયે હીથ્રો એરપોર્ટ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. તેના કારણે વિમાનનું સંતુલન ખોરવાયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
જુઓ Video
Caught live on our 24/7 Camera BA431 encountered a double tail strike upon landing at Heathrow Airport this morning. What happened here? #aviation #avgeek https://t.co/NRUY3r9GfL
— BIG JET TV (@BigJetTVLIVE) November 12, 2026
